કોટણા પાસે મહી નદીમાં ફરી નાવડી ગોઠવી રેતી ઉલેચાઇ
રેતીખનન કરતા તત્વો બેફામ ઃ નાવડી જપ્ત કરી છતાં ફરીથી બીજી નાવડીઓ ગોઠવી દીધી
વડોદરા, તા.8 વડોદરા નજીક કોટણા ગામની સીમમાં મહી નદીમાં રેતી ઉલેચવા માટે ફરીથી નાવડીનો ઉપયોગ કરતાં ગ્રામજનો ચોંકી ગયા છે. બે નાવડી જપ્ત કર્યા બાદ પણ ફરીથી નાવડીથી રેતી ઉલેચવાનું શરૃ થતાં જ આ અંગે ફરી ફરિયાદ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે કોટણા બીચ તરીકે ઓળખાતા મહી નદીના રમણીય કિનારાને રેતીખનન બગાડી રહ્યું છે તેમ છતાં તંત્ર દ્વારા કોઇ અંતિમ પગલાં લેવામાં આવતા નથી. ગઇકાલે ખાણખનિજખાતા દ્વારા કોટણા ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી અને નદીમાંથી રેતી ઉલેચતી બે નાવડીઓ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખાણખનિજની આ કાર્યવાહીના પગલે ગ્રામજનોને એમ લાગતું હતું કે હવે આ પ્રકારની પ્રવૃત્તિ અટકી જશે પરંતુ તેવું ના થયું
ખાણખનિજખાતાની કાર્યવાહીને ચોવીસ કલાક પણ પૂરા થયા નથી અને ફરીથી આજે સવારથી જ બે નાવડીઓ નદીમાં ગોઠવાઇ ગઇ હતી અને ફરીથી રેતીખનન શરૃ કરી દેવામાં આવ્યું હતું. સાંજ સુધી આ બે નાવડી દ્વારા નદીમાંથી રેતી ઉલેચાતી હતી અને છેલ્લે રાત્રે એક નાવડી રેતી ઉલેચતા તત્વો લઇ ગયા હતા જ્યારે એક નાવડી નદી કિનારે લાંગરી દીધી હતી.
કોટણા ખાતે મહી નદીમાંથી નાવડી દ્વારા રેતી ઉલેચવાનું ફરી શરૃ થતાં જ ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો છે. અગાઉ નારેશ્વર પાસેથી નર્મદા નદીમાં મોટાપાયે નાવડીઓ જપ્ત કરવામાં આવી હતી તો તે મુજબ મહી નદીમાં કાર્યવાહી કર્યા બાદ પણ રેતી ઉલેચતા તત્વો ફરીથી નાવડીઓ મૂકીને નદીની વચ્ચેથી રેતીખનન કરી રહ્યા છે.