વડોદરામાં 'સનાતન ધર્મ વિજય યાગ', રામજી કી સવારી અને રામલીલાનું અયોજન
અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને વડોદરાના તમામ રાજકીય પક્ષ અને વિવિધ ધર્મના લોકો એક સાથે ઉજવશે
આ શિવજી કી સવારીનું દ્રશ્ય છે આવી રીતે જ રામજી કી સવારી નીકળશે |
વડોદરા : ૫૫૦ વર્ષના સંઘર્ષ અને પ્રતિક્ષાના અંતે દેશના કરોડો હિન્દુઓની આસ્થા અને શ્રધ્ધાનો વિજય થયો છે અને ભગવાન શ્રી રામ લલ્લા નિજ મંદિરમાં બિરાજમાન થવા જઇ રહ્યા છે. તા.૨૨ જાન્યુઆરી ૨૦૨૪મી એ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે તે ધન્ય ઘડીને વધાવવા માટે વડોદરામાં 'શિવજી કી સવારી' પરિવાર દ્વારા તા.૧૭ થી ૨૨ દરમિયાન 'હર રંગ મેં રામ, હર ઘર મેં રામ' નામથી વિવિધ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મહોત્સવ માટે નાત-જાત અને રાજકારણના તમામ મતભેદો બાજુ પર રાખીને તમામ પક્ષ અને ધર્મના લોકો એકઠા થયા છે તેમ કહેતા સત્યમ શિવમ સુંદરમ સમિતિના અધ્યક્ષ અને શિવજી કી સવારીના પ્રણેતા ધારાસભ્ય યોગેશ પટેલે માહિતી આપી હતી કે 'વડોદરા પૌરાણિક નગરી છે અને અહી ધર્મ અને સંસ્કૃતિનું સિંચન થયુ છે. છેલ્લા ૧૦ વર્ષથી શિવજી કી સવારીનો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે હવે જ્યારે રામ લલ્લા જન્મભૂમિ સ્થાનમાં બિરાજમાન થઇ રહ્યા છે તો વડોદરા પણ તેમા સહભાગી થશે.'
'હર રંગ મ રામ, હર ઘર મે રામ' નામથી જે પાંચ કાર્યક્રમો થવાના છે તેમાં શિવ પરિવાર દ્વારા તા.૧૭મીએ કીર્તિ સ્તંભ પ્રદર્શન મેદાન ખાતે સવારે ૯.૩૦ થી સાંજે ૪ વાગ્યા દરમિયાન સનાતન ધર્મ વિજય યાગનું આયોજન કરાયુ છે. સાંજે ૪ કલાકે સનાતન ધર્મ વિજય યાત્ર નીકળશે જે પ્રદર્શન મેદાનથી, માર્કેટ ચાર રસ્તા, ન્યાય મંદિર, ગાંધીનગર ગૃહ, અમદાવાદી પોળ થઇને કોઠી ચાર રસ્તા સમાપન થશે. જે બાદ સાંજે ૭ વાગ્યે પોલો ગ્રાઉન્ડ ખાતે આતશબાજીનો કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત તા.૨૨મી જાન્યુઆરી સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન થયુ છે.'
શિવજી કી સવારીનુ સુકાન હવે મયંક પટેલ સંભાળશે
સત્યમ શિવમ સુંદરમ સમિતિના સ્થાપક પ્રમુખ ધારસભ્ય યોગેશ પટેલે આજે પત્રકારો સમક્ષ જાહેરાત કરી હતી કે 'હવે મારી ઉમર ૭૬ વર્ષની થઇ છે. વડોદરાની ધાર્મિક પરંપરા શિવજી કી સવારી અને સૂરસાગરમાં બિરાજમાન સર્વેશ્વર મહાદેવની સમક્ષ થતી મહાઆરતીની જવાબદારી અમે નવી પેઢીને સોંપી છે. તે માટે સત્મ શિવમ સુંદરમ સમિતિના પ્રમુખ પદે એમ.એસ.યુનિવર્સિટીના સિન્ડિકેટ મેમ્બર તથા વડોદરા ક્રેડાઇના વાઇર પ્રેસિડેન્ટ મયંક પટેલની વરણી કરવામા આવી છે.
શિવ પરિવારમાં સામેલ થવા લોકોને નિમંત્રણ
શિવ પરિવારના અગ્રણી પિયુષભાઇ શાહે કહ્યું હતું કે આર્કિઓલોજી વિભાગના કહેવા મુજબ શિવજી કી સવારીની પ્રતિમાનું આયુષ્ય ૩ હજાર વર્ષથી વધુ છે ત્યારે શિવજી કી સવારીની પરંપરા યુગો યુગો સુધી ચાલે તે માટે યુવા પેઢી આગળ આવે અને શિવ પરિવારમાં સામેલ થવા યોગેશ પટેલનો સંપર્ક કરે.
હર રંગ મે રામ, હર ઘર મે રામ કાર્યક્રમો
તા.૧૭ સનાતન ધર્મ વિજય યાગ પ્રદર્શન મેદાન સવારે ૯.૩૦ થી સાંજે ૪
તા.૧૭ સનાતન ધર્મયાત્રા પ્રદર્શન મેદાનથી સાંજે ૪ કલાકથી
તા.૧૭ આતશબાજી અને રાવણ દહન પોલોગ્રાઉન્ડ સાંજે ૭ વાગ્યાથી
તા.૨૦ રામલીલા નારી શક્તિ ગરબા ગ્રાઉન્ડ - વેમાલી રાત્રે ૮ થી ૧૧
તા.૨૧ રામજી કી સવારી રણમુક્તેશ્વર મહાદેવ-પ્રતાપનગરથી સાંજે ૪
તા.૨૧ અને ૨૨ રામાયણ આધારીત રંગોળી દરેક ગણેશ મંડળ આખો દિવસ
તા.૨૨ વૈદિક મંત્રોચ્ચાર - રામધૂન સૂરસાગર સવારે ૧૧ થી ૧