વડોદરામાં ઉતરાયણ પર્વ પૂર્વે આરોગ્ય વિભાગ દ્વારા ઊંધિયું, જલેબી અને ચીકીનું ચેકીંગ : નમૂના લીધા
વડોદરા,તા.12 જાન્યુઆરી 2024,શુક્રવાર
વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ખોરાક શાખાના ફૂડ ઇન્સ્પેક્ટરોએ શહેરના વિવિધ વિસ્તારમાં ઊંધિયું, જલેબી, ચીકી અંગેનું ચેકિંગ હાથ ધર્યું છે. ઉપરાંત જ્યાં અખાદ્ય પદાર્થ મળે તેવા જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો છે.
પાલિકાના આરોગ્ય વિભાગ અંતર્ગત આવતી ખોરાક શાખા દ્વારા નિયમિત રીતે સીઝનલ વેચાતા પદાર્થની તપાસણી હાથ ધરવામાં આવતી હોય છે. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની સુચનાથી અધિક આરોગ્ય અમલદાર ડોક્ટર મુકેશ વૈધના માર્ગદર્શન હેઠળ ગત દિવસોમાં ક્રિસમસ ટાણે વિવિધ કેક શોપ ખાતે કેક અને ચોકલેટના નમૂના લેવામાં આવ્યા હતા અને તેની તપાસ કરાવી હતી. ત્યારે હવે ઉતરાયણના પર્વને ધ્યાનમાં લઈને ખોરાક શાખાની ટીમે અલગ અલગ ફરસાણની દુકાનો ખાતેથી ઊંધિયું અને જલેબી તેમજ તેના રો-મટીરીયલ્સનું ચેકિંગ શરૂ કર્યું છે. અલગ અલગ વિસ્તારના કારખાનામાં તૈયાર થઈ રહેલ મમરા, તલ અને સીંગદાણાની ચીકી અને તેને બનાવવા માટે વાપરવામાં આવતા રો-મટીરીયલનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જ્યાં ખાસ કરીને ચીકી બનાવતી ફેક્ટરીઓ વધુ છે તેવા વિસ્તારોમાં ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા તપાસણી કરવામાં આવી રહી છે. જાણવા મળ્યા મુજબ કેટલાક ખ્યાતનામ ફરસાણના વિક્રેતાઓને ત્યાંથી ઊંધિયુ અને જલેબીના નમુના લેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં ચેકિંગ હજુ યથાવત રહેશે તેમ જાણવા મળ્યું છે.