ગોરવા અને કારેલીબાગમાં સશસ્ત્ર હુમલાના બનાવમાં એક જ ગેંગનું કનેક્શન
વડોદરાઃ ગોરવા અને કારેલીબાગ વિસ્તારમાં થયેલા સશસ્ત્ર હુમલાના બનાવનું એક જ ગેંગ સાથે કનેક્શન ખૂલ્યું છે.કારેલીબાગ પોલીસે આ ગુનામાં વધુ એક ફરિયાદ નોંધી છે.
ગોરવા વિસ્તારમાં ગઇ તા.૨૫મીએ રાતે વિશાલ રાણા અને તેના મિત્રો પર રિક્ષા અને બાઇક પર મારક હથિયારો સાથે આવેલા યુવકોએ હુમલો કરી બાઇક અને રિક્ષાની તોડફોડ કરી હતી.આ યુવકો સઇદ નામના કોઇ યુવકને શોધવા આવ્યા હતા અને તે દરમિયાન વિશાલ રાણાએ તેમને ગાળો નહિં બોલવા કહેતાં તેમના પર હુમલો કર્યો હતો.
ઉપરોક્ત બનાવ બાદ કારેલીબાગમાં જનતા આઇસ્ક્રિમ સામે પણ કપિલ સોલંકી(ફતેપુરા,કુંભારવાડા) પર હુમલો થયો હતો.જેથી કપિલે પોલીસ ફરિયાદ કરી હતી.
કારેલીબાગમાં બનેલા હુમલાના બનાવમાં ગોરવામાં માથાકૂટ કરીને આવેલી ગેંગના કેટલાક સાગરીતો સામેલ હોવાની વિગતો ખૂલતાં ગોરવા અને કારેલીબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.કારેલીબાગમાં ઇજા પામનાર કપિલે ગઇકાલે અજાણ્યા હુમલાખોરો સામે ફરિયાદ કરી હતી.
આ બનાવમાં ઇજાપામેલા રેહાનખાન નામના યુવકે કપિલ અને બીજા ત્રણ સાગરીતો સામે વળતી ફરિયાદ નોંધાવી છે.જેમાં તેણે ગોરવામાં બબાલ કરવા ગયા હોવાની અને ત્યાંથી પરત ફરતાં એક સાગરીતના કહેવાથી કપિલને માર મારતાં લોકો ભેગા થઇ જતાં મિત્રો ભાગી ગયા હોવાની અને રેહાનનને કપિલ અને તના સાગરીતોએ પાઇપ વડે માર માર્યો હોવાની વળતી ફરિયાદ નોંધાવી છે.