સોખડા ગાદી માટે ગજગ્રાહ વચ્ચે ગુણાતીત સ્વામીનું અવસાન, જિલ્લા પોલીસ વડાએ અંતિમ ક્રિયા પર રોક લગાવી
વડોદરા,તા. 28 એપ્રિલ 2022,ગુરૂવાર
વડોદરા નજીકના હરિધામ સોખડા મંદિરમાં ગાદીના ગજગ્રાહ વચ્ચે પ્રબોધ સ્વામી જૂથના સંતનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા ભક્તોમાં આક્રોશ જોવા મળ્યો છે. વડોદરા જિલ્લા કલેકટર કચેરી ખાતે દોડી ગયેલા હરિભક્તોએ તાત્કાલિક અંતિમ ક્રિયા રોકાવી મૃતદેહના પેનલ પોસ્ટમોર્ટમની માંગ કરી મોત અંગે શંકા ઉપજાવી છે.
અત્રે નોંધનીય છે કે, ગાદીના ગજગ્રાહ વચ્ચે લોહિયાળ પડઘાના સંકેતનો વર્તારાનો ભાસ થતો હતો. તેવામાં હવે પ્રબોધ સ્વામી જૂથના સંતનું શંકાસ્પદ મોત અનેક સવાલો ઊભા કરે છે.
પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તો આજે ફરી એક વખત કલેકટર કચેરી દોડી ગયા હતા. આ દરમ્યાન હરિભક્ત સંજય ભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, હરિધામ સોખડામાં ગુણાતીત સ્વામીના નિધન ઉપર અમને શંકા છે. તેઓ હેલ્થી અને સેવામાં સક્રિય હતા. બે દિવસ અગાઉ તેમણે પ્રબોધ સ્વામી પાસે બાકરોલ જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. અને આજે તેમનું રહસ્યમય મોત નિપજ્યું છે. અમે કલેકટરને રજૂઆત કરી તાત્કાલિક ધોરણે હરિધામ સોખડા માં ગુણાતીત સ્વામીની અંતિમ ક્રિયા ઉપર રોક લગાવી પેનલ પોસ્ટમોર્ટમની સાથે ઉચ્ચસ્તરીય તપાસની માંગણી કરી છે. હાલ પરિસ્થિતિ જોતા હરિધામ સોખડામાં અંતિમ ક્રિયા માટે ઉતાવળિયો પ્રયાસ પણ થઈ રહ્યો છે. આમ, રહસ્યમય સંજોગોમાં સંતનું મોત નિપજતા હરિભક્તોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. અને રહસ્યમય મોત સામે અનેક સવાલો ઉભા થતા નિષ્પક્ષ તપાસની માગણી ઉઠી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પ્રબોધ સ્વામી સહિતના સંતો કોર્ટના હુકમ બાદ સોખડા ધામ છોડી બાકરોલ સહિતના સ્થળે રવાના થયા હતા. આમ , ગાંદીના ગજગ્રાહમાં પ્રતિષ્ઠા દાવ પર લાગતા હરિભક્તોમાં છૂપો રોષ પણ જોવા મળી રહ્યો છે.
જિલ્લા પોલીસ વડાને રજૂઆત બાદ અંતિમ ક્રિયા રોકાવી
હરિભક્તોએ ગુણાતીત ચરણ સ્વામીના નિધન સંદર્ભે શંકા ઉપજાવી અંતિમક્રિયા રોકવાની સાથે પેનલ પોસ્ટમોર્ટમની માંગણી કરી હતી. મામલાની ગંભીરતા જોતાં સતર્ક બનેલી પોલીસે તાત્કાલિક ધોરણે સોખડા ખાતે સ્વામીજીની અંતિમ ક્રિયા ઉપર રોક લગાવી મૃતદેહને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મૃતદેહને પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ હું તને તેનું સાચું કારણ બહાર આવશે અને અનેક અટકળો પર પૂર્ણવિરામ મુકાશે.