૨૦,૪૨૪ ગરીબ, મધ્યમવર્ગના રોકાણકારો કાનૂની આંટીઘૂંટીમાં અટવાયા સહારા ક્રેડિટ સો.ના રોકાણકારોનો વલોપાત ઃ રૃા.૨૨૮.૨૯ કરોડ ક્યારે મળશે?
સહારાની વડોદરાની ચાર ઓફિસોમાં લોકોને ઠગનાર સામે ગુના નોંધાયા પરંતુ રોકાણ કરનારાઓ હજી રડે છે
વડોદરા, તા.12 ગરીબ અને મધ્યમવર્ગના રોકાણકારોની બચતના કરોડો રૃપિયા વિવિધ યોજનાઓના નામે ઉઘરાવ્યા બાદ સહારા ક્રેડિટ કો.ઓ. સો.લી.એ હાથ અધ્ધર કરી દેતાં વર્ષોથી આ રોકાણકારોને પોતાની મહામુલી બચત પાકતી મુદતે પરત મળતી નથી. આ અંગે પોલીસ ફરિયાદો થવા છતાં તેમજ જીપીઆઇડી એક્ટ મુજબ કાર્યવાહી થવા છતાં કરોડો રૃપિયા ક્યારે પરત મળશે તે હજી સુધી નિશ્ચિત નથી.
ઉલ્લેખનીય છે કે સહારા ક્રેડિટ કો.ઓ. સો.લી.ની વડોદરામાં ચાર સ્થળે ઓફિસો આવેલી છે. આ ચારેય બ્રાંચોમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓએ ગરીબ તેમજ મધ્યમવર્ગના રોકાણકારોને ઊંચા વળતરના સ્વપ્ના બતાવી પોતાની સ્કીમોમાં રોકાણ કરાવડાવ્યું હતું. પાકતી મુદતે જ્યારે સહારા દ્વારા નાણાં આપવાનો સમય આવ્યો ત્યારે બ્રાંચના હોશિયાર કર્મચારીઓએ રોકાણકારોને પોતાની વાતોમાં ભેળવી બીજી સ્કીમમાં રોકાણ કરાવડાવ્યું હતું. અને પછી આ નાણાં કદી પાછા મળ્યા જ નથી જેના પગલે રોકાણકારોની મહામુલી બચત ગુમાવવાનો વારો આવ્યો છે.
સહારાની વિવિધ સ્કીમોમાં રોકાણ કરી પૈસા ગુમાવવા અંગે સહારાના રોકાણકારોની લડતના અંતે શહેર પોલીસ દ્વારા સ્ટાર્સ મલ્ટીપરપઝ કો.ઓ.સો.લી., સહારા ક્રેડિટ કો.ઓ.સો.લી. અને સહારા ક્યૂ શોપ યુનિક પ્રોડક્ટ રેન્જ લી.ના અધિકારીઓ તેમજ કર્મચારીઓ સામે વર્ષ-૨૦૨૨માં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ધીમી કાર્યવાહીના કારણે અગાઉ રોકાણકારો સામે રોષ વ્યાપ્યો હતો. પોલીસ ફરિયાદો બાદ પણ સહારાના રોકાણકારોને પોતાની વર્ષો જૂની બચતના પૈસા પરત મળતા નથી.
સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આવી રોકાણકારોને ઠગતી કંપનીઓ સામે પગલાં લેવા માટે જીપીઆઇડી એક્ટ કાયદો બનાવવામાં આવ્યો હતો. આ કાયદા મુજબ વડોદરાના નાયબ કલેક્ટરને કોમ્પીટન્ટ ઓથોરિટિ તરીકે કામગીરી સોંપવામાં આવી છે. વર્ષ-૨૦૨૨ના ઓગસ્ટ માસથી સહારાના રોકાણકારો પાસેથી કલેમ ફોર્મ સહિતના દસ્તાવેજો મંગાવવામાં આવતા નાયબ કલેક્ટર ઓફિસમાં રોકાણકારોનો રાફડો ફાટયો હતો. ૨૦,૪૨૪ લોકોએ સહારામાં ગુમાવેલી રકમનો આંકડો સામે આવ્યો તો સરકારી અધિકારીઓની આંખ પણ પહોળી થઇ ગઇ હતી. રોકાણકારોએ દસ્તાવેજો અને પુરાવા સાથે સહારામાં કુલ રૃા.૨૨૮.૨૯ કરોડ ગુમાવ્યા હોવાનું બહાર આવ્યું છે. આ રકમ તો માત્ર વડોદરા તેમજ આજુબાજુના જિલ્લાના રોકાણકારોની જ છે. કોર્ટ અને પોલીસના ચક્કરોમાં ફસાતા રોકાણકારોને ક્યારે નાણાં મળશે તે હજી સુધી નિશ્ચિત થઇ શક્યું નથી.