સેવાસીથી ભીમપુરા તરફ જતા રોડ પર બનાવેલા રેલવે બ્રિજની નીચે લટકતી સેફ્ટી નેટ જોખમી ઃ જાનહાનિની શક્યતા

સેફ્ટી નેટ તોડીને મોટા પથ્થરો નીચેથી પસાર થતા વાહનચાલકો પર પડી શકે ઃ જીવના જોખમે લોકોની અવરજવર

Updated: Mar 18th, 2024


Google NewsGoogle News
સેવાસીથી ભીમપુરા તરફ જતા રોડ પર બનાવેલા  રેલવે બ્રિજની નીચે લટકતી સેફ્ટી નેટ જોખમી ઃ જાનહાનિની શક્યતા 1 - image

વડોદરા, તા.18 વડોદરાથી સિઘરોટ તરફ જતાં હાઇવે પર બનાવવામાં આવેલા ડીએફસીસીના બ્રિજની નીચે લગાવેલી સેફ્ટી નેટની હાલત ખરાબ થતી જાય છે. આ નેટની ઉપર મૂકેલા મોટા પથ્થરો ગમે ત્યારે નેટ તોડીને નીચે પડે તો મોટી જાનહાની થવાની શક્યતાઓ રહેલી છે. આ બ્રિજની નીચેથી વાહનચાલકોએ ખૂબ જ સાવચેતીથી પસાર થવું પડતું હોય છે.

ઉલ્લેખનીય છે કે સેવાસીથી ભીમપુરા તરફ જવા સેન્ટ્રલ ગવર્નમેન્ટના બે મોટા પ્રોજેક્ટોના બ્રિજોની નીચેથી પસાર થવું પડે છે. ભીમપુરા અને સોનારકુઇ વચ્ચે ૧૦૦ મીટરના અંતરે આવેલા બંને બ્રિજની પહોળાઇ મોટી હોવાથી લાંબા સમયથી કામ ચાલતું હતું જેના કારણે ડાયવર્ઝન અપાતા અનેક વાહનચાલકોએ જે તે સમયે મુશ્કેલી સહન કરવી પડી હતી. આ બંને બ્રિજનું કામ પૂરુ થઇ ગયું છે અને તેના પરથી વાહનવ્યવહાર તેમજ ગુડ્સ  ટ્રેનની અવરજવર શરૃ થઇ ગઇ છે પરંતુ વાહનચાલકોની મુશ્કેલી પણ  હજી એવી જ છે.

કેન્દ્ર સરકારના બે મોટા પ્રોજેક્ટો મુંબઇ-દિલ્હી એક્સપ્રેસ વે તેમજ રેલવેના ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (ડીએફસીસી)ના પ્રોજેક્ટમાં એક્સપ્રેસ વે માટે બનાવેલા બ્રિજની નીચે અગાઉ સેફ્ટી નેટ લગાવવામાં આવી હતી. બે બ્રિજ પૈકી એક્સપ્રેસ વેનું કામ પૂર્ણ થતાંની સાથે જ આ સેફ્ટી નેટ હટાવી દીધા બાદ ત્યાંથી વાહનોની અવરજવર શરૃ કરી દેવામાં આવી હતી પરંતુ રેલવેના પ્રોજેક્ટ માટેના બ્રિજની નીચેથી વાહનોની અવરજવર તો શરૃ કરી દેવામાં આવી છે પરંતુ બ્રિજની નીચે લગાવેલી સેફ્ટી નેટ હજી સુધી દૂર કરવામાં આવી નથી.

રેલવેના આ બ્રિજની નીચેની સેફ્ટી નેટની ઉપર મોટા મોટા પથ્થરો મૂકેલા છે અને સેફ્ટી નેટ પણ ગમે ત્યારે તૂટી જાય તેવી શક્યતા છે જેના કારણે જો સેફ્ટી નેટ તૂટે અને મોટા પથ્થરો નીચે પડે તો નીચેથી પસાર થતાં વાહનચાલકનું મૃત્યુ નિપજી શકે અથવા ગંભીર ઇજા થઇ શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કોઇ કારની ઉપર પણ પથ્થર પડે તો કારને અથવા અન્ય કોઇ વાહનને પણ મોટું નુકસાન થવાની શક્યતા છે.




Google NewsGoogle News