લેન્ડફિલ સાઈટના વિરોધમાં સાદરા ગામે સજ્જડ બંધ પાડયો : તંત્ર વિરુદ્ધ રેલી કાઢી
આંદોલનની રણનીતિ નક્કી કરવા માટે બેઠક મળી
ગ્રામજનો આજે મહાનગરપાલિકામાં રજૂઆત માટે આવશે નિર્ણય નહીં લેવામાં આવે તો ઉગ્ર લડત શરૃ કરવાના એંધાણ
કોર્પોરેશન દ્વારા
ઘન કચરાના નિકાલ અર્થેે ઘણા વખતથી લેન્ડફીલ સાઈટ શોધવામાં આવી રહી હતી. અંતે સાદરા
ગામ ખાતે લેન્ડફીલ બનાવવા માટે નિર્ણય લઈ લીધો હતો. જે સંદર્ભે કલેકટર દ્વારા પણ
અહીં ૫૦ એકર જમીન ફાળવી દેવામાં આવી છે. જેનાં પગલે ગ્રામજનોએ મનપા કમિશ્નર,કલેકટર તેમજ
મેયરને આવેદન આપીને લેન્ડફીલ સાઈટનો વિરોધ કરી રજૂઆત કરાઈ હતી. તેમ છતાં
મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા લેન્ડ ફીલ બનાવવા માટેની કવાયત શરૃ કરી દેવાઈ
છે.
જેનાં પગલે સાદરાનાં ગ્રામજનોએ લડતનાં મંડાણ કરી દીધા છે. અગાઉ પેથાપુરમાં લેન્ડફીલ સાઈટ બનાવવા માટે નક્કી કરવામાં આવ્યું હતું. જો કે સ્થાનિક રાજકીય આગેવાનો સહીતના ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કરતાં મડાગાંઠ સર્જાઈ હતી. એજ રીતે કોલવડામાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ નજર દોડાવી હતી. જો કે અહીં પણ રાજકીય દબાણ - ગ્રામજનોએ વિરોધ કરતાં મનપા તંત્રને રાજકીય દબાણ સામે હથિયાર હેઠા મૂકી દેવાનું મુનાસિબ માની ઉક્ત બંને સ્થળોએ લેન્ડ ફીલ સાઈટનો પ્રોજેક્ટ પડતો મૂકી દેવો પડયો હતો. ત્યારે સ્વચ્છતા અભિયાનમાં રેન્ક મેળવાની હરીફાઈમાં મનપા તંત્રએ લેન્ડ ફીલ સાઈટ બનાવવા માટે પોતાની હદ વિસ્તારમાં સર્વે ચાલુ રાખવામાં આવ્યો હતો. ત્યારે ગઈકાલે ગામમાં લેન્ડ ફીલ સાઈટનાં વિરોધને લઈને રાત્રિ સભા યોજાઈ હતી.જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી.આ સભામાં ગ્રામજનોએ સામૂહિક રીતે એક થઈને આંદોલન કરવાનું નક્કી કરી રણનીતિ ઘડી કાઢવામાં આવી હતી. લેન્ડફિલ સાઈડના વિરોધમાં આજે સાદરા ગામમાં બંધ પાડવામાં આવ્યો હતો અને ગ્રામજનો દ્વારા તંત્રની વિરુદ્ધમાં ભારે સૂત્રોચાર કરીને રેલી કાઢવામાં આવી હતી.