વડોદરાના ૮ લાખ રેશનકાર્ડ ધારકોની e KYC કરાવવા દોડધામ
અનાજ ના લેતા હોય તો પણ દરેક રેશનકાર્ડ ધારકોએ ઇ કેવાયસી કરાવવું ફરજિયાત
વડોદરા, તા.26 સરકાર દ્વારા દરેક રેશનકાર્ડ ધરાવતા લોકોનું ઇ કેવાયસી શરૃ કરતાંની સાથે જ વિવિધ સરકારી કચેરીઓમાં નાગરિકો ઇ કેવાયસી કરાવવા માટે દોડી રહ્યા છે. વડોદરામાં લાખો રેશનકાર્ડ ધરાવતા લોકોની ઇ કેવાયસી કરાવવાની પ્રક્રિયા શરૃ કરી દેવામાં આવી છે. ખરેખર ઓનલાઇન ઘેર બેઠા પણ ઇ કેવાયસી થઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર તેમજ જિલ્લામાં રેશનકાર્ડ પરથી અનાજ સહિતનો પુરવઠો લેતા હોય તેવા ૨.૬૦ લાખ જેટલા રેશનકાર્ડ છે જ્યારે રેશનકાર્ડ પર જથ્થો ના મેળવતા હોય તેવા ૫ લાખ રેશનકાર્ડ છે. આ તમામ રેશનકાર્ડ ધારકોએ ઇ કેવાયસી કરાવવું જરૃરી છે. રાજ્ય સરકાર દ્વારા ઇ કેવાયસી કરવાની પ્રક્રિયા શરૃ કરવાની સાથે લોકોમાં તે વાત ફેલાતા લોકો પુરવઠા કચેરીની ઝોનલ ઓફિસમાં દોડી રહ્યા છે અને લાંબી લાંબી કતારો તે માટે લાગે છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે રેશનકાર્ડ ધારકોએ ઇ કેવાયસી એટલે કે આધારકાર્ડ તેમજ મોબાઇલ નંબર લિંક કરવાનો છે જેનાથી સરકારની ૧૪ થી વધુ યોજનાઓનો લાભ લેવા માટે અલગ અલગ કેવાયસી કરાવવાની જરૃર ના રહે. રેશનકાર્ડ પર અનાજ ના લેતા હોય તેવા રેશનકાર્ડધારકોએ પણ ઇ કેવાયસી કરાવવું જરૃરી છે. કેન્દ્ર સરકાર દ્વારા આગામી દિવસોમાં ફેમિલી આઇડી બનાવવાના સંભવિત પ્રોજેક્ટના ભાગરૃપે ઇ કેવાયસીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું મનાય છે.