પહેલા બે દિવસમાં એમ.એસ.યુનિ.માં પ્રવેશ માટે ૧૮૦ વિદેશી વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યાં
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી તેમજ આઈસીસીઆર( ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ)વચ્ચે થયેલા જોડાણ બાદ છેલ્લા પાંચ વર્ષથી યુનિવર્સિટીમાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
નવા શૈક્ષણિક વર્ષ એટલે કે ૨૦૨૪-૨૫ના વર્ષ માટે આઈસીસીઆરે વિદેશી વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનુ પોર્ટલ ખુલ્લુ મુકતાની સાથે જ બે દિવસમાં એમ.એસ.યુનિવર્સિટીમાં પ્રવેશ માટે ૧૮૦ જેટલા વિદેશી વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે.
યુનિવર્સિટીની ઓફિસ ઓફ ઈન્ટરનેશનલ અફેર્સના ડાયરેકટર પ્રો.ધનેશ પટેલના કહેવા પ્રમાણે ફોર્મ ભરવાનુ શરુ થયાના પહેલા બે દિવસમાં વિદેશી વિદ્યાર્થીઓનો ગુજરાતમાં અભ્યાસ માટે એમ.એસ.યુનિવર્સિટી તરફ ઝૂકાવ જોવા મળ્યો છે.ગુજરાતમાં તમામ ગ્રાન્ટેડ યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટેના સૌથી વધારે ફોર્મ એમ.એસ.યુનિવર્સિટીમાં ભરાયા છે.
જોકે ૨૦૨૩-૨૪ના વર્ષમાં એમ.એસ.યુનિવર્સિટીમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા અગાઉના ત્રણ વર્ષના મુકાબલે ઘટી હતી.વર્તમાન શૈક્ષણિક વર્ષમાં આઈસીસીઆર થકી અને પોતાની રીતે એમ કુલ ૧૨૨ જેટલા વિદેશી વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં ભણવા માટે આવ્યા છે.
પ્રો.પટેલનુ કહેવુ છે કે, ૨૦૨૩-૨૪ના વર્ષ માટે આઈસીસીઆરનુ પોર્ટલ પ્રવેશ ફોર્મ ભરવા માટે મોડુ ખુલ્યુ હતુ અને તેના કારણે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે પણ નવા વર્ષમાં ફરી સંખ્યામાં ઉછાળો આવે તેવી શક્યતા છે.યુનિવર્સિટીમાં હાલમાં અલગ અલગ ૬૦ કરતા વધારે દેશોના ૫૧૨ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
યુનિવર્સિટીમાં આઈસીસીઆરની સાથે સાથે પોતાની રીતે પ્રવેશ લેનારા એટલે કે પ્રાઈવેટ સ્ટુડન્ટસની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.