એસટી ડેપો દ્વારા મુકાયેલી વધારાની ૭૦ જેટલી બસો પણ ઓછી પડી

Updated: Nov 10th, 2023


Google NewsGoogle News
એસટી ડેપો દ્વારા મુકાયેલી વધારાની ૭૦ જેટલી બસો પણ ઓછી પડી 1 - image

વડોદરાઃ દિવાળીના તહેવારો આવતાની સાથે જ લોકોનો બહારગામ જવા માટે ધસારો શરુ થઈ ગયો છે અને તેના કારણે વડોદરા એસટી ડેપો પર અભૂતપૂર્વ ગીર્દી જોવા મળી રહી છે.

વડોદરા એસટી વિભાગ દ્વારા લોકોના ધસારાનો અંદાજ લગાવીને ૭૦ જેટલી વધારાની બસો દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી.જોકે આ બસો પણ પૂરતી થઈ રહી નથી અને લોકોને બેસવાની તો ઠીક છે પણ ઉભા રહેવાની પણ જગ્યા મળી રહી નથી.

સેન્ટ્રલ એસ ટી ડેપો પર બૂકિંગ માટે તેમજ ટિકિટો લેવા માટે પણ લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે.મુસાફરોનુ કહેવુ છે કે, વધારાની બસો દોડાવાઈ રહી છે પણ ધસારો એટલો છે કે, બસોમાં ઉભા રહેવાની જગ્યા પણ ના મળે તેવી સ્થિતિ છે.બસોમાં બેસવા માટે ધક્કા મુક્કી થઈ રહી હોવાથી સિનિયર સિટિઝનો અને બાળકો સાથે મુસાફરી કરતી મહિલાઓની હાલત વધારે કફોડી બની રહી છે.લોકોને બસો માટે કલાકો સુધી રાહ જોવાનો વારો પણ આવી રહ્યો છે.

એસટી વિભાગના સૂત્રોનુ કહેવુ છે કે, આમ તો રોજની ૮૫ જેટલી બસો દોડાવાતી હોય છે પણ દિવાળીને ધ્યાનમાં રાખીને વધારાની બસો પણઔ મુકવામાં આવી રહી છે.દિવાળીના તહેવારો પૂરા થયા બાદ એટલે કે ૧૬ નવેમ્બરથી બસો પરનુ ભારણ થોડુ ઘટે તેવી સંભાવના છે.

બીજી તરફ બસો એસટી ડેપોના જે પ્લેટફોર્મ પર ઉભી રહી છે ત્યાં અપૂરતા લાઈટિંગના કારણે રાતના સમયે બસોમાં બેસવા માટે પણ મુશ્કેલી પડી રહી હોવાની ફરિયાદો મુસાફરો કરી રહ્યા છે. 


Google NewsGoogle News