સહારાના રોકાણકારો હજી બેસહારા પોર્ટલમાં નોંધણી છતાં પૈસા મળ્યા નથી
સહારા પરના નિયંત્રણો દૂર કરી સરકારની દેખરેખ હેઠળ બ્રાંચોમાંથી ચૂકવણી કરવાની માંગ
વડોદરા, તા.23 સહારાના રોકાણકારોને હજી સુધી પોતાના રોકાણના પૈસા મળ્યા નથી તેમજ કર્મચારીઓ પણ હજી બેરોજગાર છે તેવા આક્ષેપો સાથે આજે સહારાનો ભોગ બનેલા મોટી સંખ્યામાં લોકોએ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
સહારાના રોકાણકારો તેમજ કર્મચારીઓએ જણાવ્યું હતું કે સહકાર મંત્રી અમિત શાહ દ્વારા તા.૧૮ જુલાઇ ૨૦૨૩ના રોજ સહારા રિફંડ પોર્ટલ શરૃ કરવામાં આવ્યું હતું અને એવું પણ કહેવામાં આવ્યું હતું કે રોકાણકારોને પોર્ટલ પર અરજી કર્યાના ૪૫ દિવસમાં ચૂકવણી મળી જશે પરંતુ પોર્ટલ પર અરજી કર્યાને એક વર્ષ થઇ ગયુ છતાં રોકાણકારોને પૈસા મળ્યા નથી જેથી પોર્ટલ સંપુર્ણ નિષ્ફળ રહ્યું છે.
સમગ્ર દેશમાં સહારાના ૧૩ કરોડ રોકાણકારો અને મોટી સંખ્યામાં કામદારો છે જેમની વેદના એટલી છે કે આપણે કલ્પના પણ કરી શકતા નથી. રોકાણકારોએ તેમના બાળકોના ભવિષ્ય, શિક્ષણ, દીકરીના લગ્ન, મેડિકલ ઇમરજન્સી અને વૃધ્ધાવસ્થા માટે પૈસા બચાવ્યા હતા પરંતુ તેમને પૈસા મળતા નથી.
જિલ્લા કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં સહારાના રોકાણકારો અને કામદારોએ માંગણી કરી હતી કે સહારા પર લાદવામાં આવેલા તમામ નિયંત્રણો દૂર કરવામાં આવે, પોર્ટલ બંધ કરવામાં આવે અને સરકારની દેખરેખ હેઠળ સહારા શાખાઓમાંથી તુરંત ચૂકવણી કરવી જોઇએ અને પહેલાંની જેમ કર્મચારીઓને રોજગારી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે.