Get The App

વધુમાં વધુ ચાર વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ત્રીજા સેમેસ્ટરમાં પ્રવેશ અપાશે

Updated: Oct 10th, 2024


Google NewsGoogle News
વધુમાં વધુ ચાર વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ત્રીજા સેમેસ્ટરમાં પ્રવેશ અપાશે 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં નવી શિક્ષણ નીતિનુ ફાવે તેવુ અર્થઘટન થઈ રહ્યું છે.નવી નીતિ હેઠળ ઓનર્સ કોર્સમાં અભ્યાસ કરી રહેલા પહેલા અને બીજા સેમેસ્ટરમાં નાપાસ હોય તેવા વિદ્યાર્થીઓને ત્રીજા સેમેસ્ટરમાં પ્રવેશ નહીં આપવાના અગાઉ લેવાયેલા નિર્ણય સામે ભારે ઉહાપોહ થયો હતો.

વિદ્યાર્થી સંગઠનોએ પણ આ મુદ્દે કરેલા દેખાવો બાદ ફેકલ્ટી ડીનની બેઠક બોલાવવામાં આવી હતી.વિદ્યાર્થીઓએ તો અન્ય યુનિવર્સિટીની જેમ પહેલા અને બીજા સેમેસ્ટરમાં ગમે તેટલા વિષયોમાં નાપાસ થયેલા વિદ્યાર્થીને પણ ત્રીજા સેમેસ્ટરમાં પ્રવેશ આપવાની માગણી કરી હતી.

મળતી જાણકારી પ્રમાણે એવો નિર્ણય લેવાયો છે કે, પહેલા વર્ષના  બે સેમેસ્ટરમાં થઈને મહત્તમ ચાર વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓને ત્રીજા સેમેસ્ટરમાં એટલે કે આગળના વર્ષમાં પ્રવેશ આપવામાં આવશે.તેનાથી વધારે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓને આગળના વર્ષમાં પ્રવેશ નહીં મળે.સાથે સાથે  દરેક સેમેસ્ટર બાદ પૂરક પરીક્ષા લેવાનું પણ ચાલુ રાખવામાં આવશે.

જોકે આ નિર્ણયની હજી સુધી સત્તાવાર જાહેરાત થઈ નથી.કારણકે વાઈસ ચાન્સેલર પાસે આ પ્રસ્તાવ છેલ્લા ૧૦ દિવસથી પડયો છે.હજી સુધી તેના પર સહી થઈ નથી.બીજી તરફ ફેકલ્ટીઓ મૂંઝવણમાં છે.કોમર્સ  ફેકલ્ટીમાં તો એસવાયની ઈન્ટરનલ પરીક્ષા પણ તા.૧૪  ઓક્ટોબરથી શરુ થવાની છે. ફેકલ્ટી સત્તાધીશો પણ નવા નિર્ણયની જાહેરાત નહીં થઈ રહી હોવાથી મૂંઝવણમાં છે.દરમિયાન આ અંગે સત્તાવાર જાણકારી મેળવવા માટે રજિસ્ટ્રાર ડો.ચૂડાસમાનો સંપર્ક થઈ શક્યો નહોતો.



Google NewsGoogle News