Get The App

સચિવાલય સંકુલો બહાર RTOની સતત બીજા દિવસે હેલ્મેટ ડ્રાઇવ

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
સચિવાલય સંકુલો બહાર RTOની સતત બીજા દિવસે હેલ્મેટ ડ્રાઇવ 1 - image


સામાન્ય વહિવટ વિભાગે કરેલા પરિપત્રને ધ્યાને રાખી

વધુ ૫૩ ટુ વ્હિલરચાલકોનો મેમો ફાડીને ૬૦ હજારનો દંડ વસૂલ્યો : અન્ય સરકારી સંસ્થાઓ પાસે પણ કાર્યવાહી જરૃરી

ગાંધીનગર :  સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા ટુ વ્હિલર ઉપર આવતા કર્મચારીઓએ ફરજીયાત હેલ્મેટ પહેરવાના નિયમનું પાલન કરવા અંગેનો પરિપત્ર કર્યા બાદ સોમવારે પ્રથમ દિવસે જુના અને નવા સચિવાલય સંકુલ બહાર ટ્રાફિક તથા આરટીઓ દ્વારા ડ્રાઇવ કરાઇ હતી ત્યારે આજે બીજા દિવસે પણ આરટીઓ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવીને હેલ્મેટ નહીં પહેરતા ૫૩ જેટલા કર્મચારીઓ સામે કાર્યવાહી કરીને સ્થળ ઉપર જ ૬૦ હજારથી વધુ રકમનો દંડ વસૂલવામાં આવ્યો છે.

રાજ્યના પાટનગર ગાંધીનગરથી નવા નિયમો બને છે અને અહીં જ તેનું પાલન થતું નથી તે તો પાટનગરવાસીઓ સૌ કોઇ જાણે જ છે ત્યારે શનિવારે સામાન્ય વહિવટ વિભાગ દ્વારા કર્મચારીઓએ ટુ વ્હિલર ઉપર ફરજીયાત હેલ્મેટ પહેરીને આવવા અંગે પરિપત્ર કર્યા બાદ સોમવારથી જુના અને નવા સચિવાલય બહાર ટ્રાફિક તથા આરટીઓ દ્વારા ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. સોમવારે સો જેટલા મેમા ફાડીને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે આજે એટલે કે, સતત બીજા દિવસે પણ આરટીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ઓફિસ જવાના સમયે તથા છુટવાના સમયે આરટીઓના ઇન્સ્પેક્ટર્સ દ્વારા જુના અને નવા સચિવાલયના પ્રવેશદ્વારો પાસે ધામા નાંખીને ટુ વ્હિલર ઉપર જતા-આવતા કર્મચારીઓને સાઇડ ઉપર ઉભા રાખીને તેમને હેલ્મેટ પહેરવા માટે સમજાવવાની સાથે તેમની સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

બીજા દિવસે ફક્ત આરટીઓ દ્વારા ૫૩ જેટલા મેમા ફાડવામાં આવ્યા હતા અને ૬૦ હજાર રૃપિયાનો દંડ પણ સ્થળ ઉપર જ વસૂલવામાં આવ્યો હતો. આરટીઓ તથા ટ્રાફિકની ડ્રાઇવને પગલે ટુ વ્હિલર લઇને આવતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે ત્યારે સચિવાલય સંકુલો ઉપરાંત અન્ય સરકારી તથા અર્ધ સરકારી-અનુદાનિત સંસ્થાઓ ખાતે પણ નિયમનું પાલન નહીં કરતા કર્મચારીઓ સામે ડ્રાઇવ ચલાવવી જોઇએ તેમ એકસુર ઉઠી રહ્યો છે. 


Google NewsGoogle News