RTO અધિકારીઓ ટ્રાફિક નિયમનમાં સુસ્ત એક વર્ષમાં 172 વાહનો જ ડિટેઇન કર્યા
વાહન અકસ્માતોની સંખ્યામાં સતત વધારો, વર્ષે 300થી વધુ લોકો જીવ ગુમાવે છે, દર વર્ષે શહેરમાં સવા લાખ કરતાં વધુ નવા વાહનો ઉમેરાય છે
વડોદરામા રવિવારે લક્ષ્મીપુરા રોડ પર બાઇકને અડફેટમાં લેનાર ડમ્પર |
વડોદરા : આરટીઓ દર વર્ષે કરોડો રૃપિયાની કમાણી કરીને સરકારી તિજોરી છલકાવે છે. આરટીઓ કમાણીમાં જેટલું ધ્યાન આપે છે તેટલું ધ્યાન ફરજ પર પણ આપે તો શહેરમાં અને હાઇ-વે પર અકસ્માતોની સંખ્યા ઘટે તેમ છે. આંકડાઓ બતાવે છે કે આરટીઓને ટ્રાફિક નિયમન કરતાં પણ કમાણીમાં વધુ રસ છે.
વડોદરામાં દર વર્ષે સરેરાશ એક થી સવા લાખ નવા વાહનો ઉમેરાઇ રહ્યા છે. તેની સામે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જૂનું છે. ટ્રાફિક પોલીસ અને આરટીઓ બન્ને વિભાગો ટ્રાફિક નિયમન સામે સદંતર નિષ્ક્રિય હોય તેવું દેખાઇ રહ્યું છે, જેના પગલે શહેરમાં વાહન અકસ્માતોની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. વડોદરામાં દર વર્ષે સરેરાશ ૩૦૦થી વધુ લોકો વાહન અકસ્માતમાં જીવ ગુમાવી રહ્યા છે.
લક્ષ્મીપુરા રોડ પર રવિવારે ડમ્પરની અડફેટે બાઇક ચાલકનું મોત |
વડોદરા આરટીઓએ નાણાકીય વર્ષમાં 354.85 કરોડની આવક કરી
નાણાકીય વર્ષ દરમિયાન એટલે કે ૧ એપ્રિલ ૨૦૨૩ થી ૩૧ માર્ચ ૨૦૨૪ દરમિયાન વડોદરા આરટીઓએ ૩૫૪.૮૫ કરોડની આવક કરી છે. આ ગાળા દરમિયાન ૧,૨૮,૩૮૦ નવા વાહનોની નોંધણી થઇ છે, તો ૨૨,૯૯૯ નવા લાયસન્સ ઇશ્યુ કરવામાં આવ્યા છે. બીજી તરફ અકસ્માતના ગુનામાં ૫૩ અને રોડ સેફ્ટીના ગુનામાં ૧૬ મળીને એક વર્ષમાં ૬૯ લાયસન્સ રદ્દ કરાયા અથવા તો સસ્પેન્ડ કરવામા આવ્યા છે.
આશ્ચર્યની વાત તો એ છે કે આરટીઓએ એક વર્ષ દરમિયાન એટલે કે ૩૬૫ દિવસમાં માત્ર ૧૭૨ વાહનો જ ડિટેઇન કર્યા છે. વડોદરામાં તથા વડોદરાથી પસાર થતા હાઇ-વે પર અકસ્માતોની સંખ્યા, દારૃની હેરાફેરી જેવા ગુના, ટ્રાફિક નિયમનો વારંવાર ભંગ કરવો જેવા ગુનાઓની સંખ્યાની સરખામણીમાં ડિટેઇન કરાયેલા વાહનોની સંખ્યા સામાન્ય છે. જો કાયદાનું કડક પાલન થશે તો જ ટ્રાફિક નિયમનનું પાલન થશે અને અકસ્માતોની સંખ્યા ઘટશે.