Get The App

આરટીઓ અને ટ્રાફિક વિભાગે 5000 થી વધુ સ્કૂલવાન-રિક્ષાઓમાંથી માત્ર 81 સામે જ કાર્યવાહી કરી સંતોષ માન્યો

59 સ્કૂલવાન અને રિક્ષાઓને ઇ-મેમો ફટકારી 1.47 લાખનો દંડ વસૂલ કર્યો જ્યારે 22 સ્કૂલવાન અને રિક્ષાને ડિટેઇન કરી

Updated: Jun 14th, 2024


Google NewsGoogle News
આરટીઓ અને ટ્રાફિક વિભાગે 5000 થી વધુ સ્કૂલવાન-રિક્ષાઓમાંથી માત્ર 81 સામે જ કાર્યવાહી કરી સંતોષ માન્યો 1 - image


વડોદરા : વાલીઓના આક્રોશ  બાદ આજે અચાનક જાગેલા આરટીઓ અને ટ્રાફિક વિભાગે વડોદરામાં અલગ અલગ સ્થળોએ સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાની ચેકિંગ કામગીરી હાથ ધરી હતી. જો કે વડોદરામાં ફરતી ૫,૦૦૦થી વધુ સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષામાંથી માંડ ૮૧ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. માત્ર દેખાડો કરવા પુરતી આ કામગીરી કરીને સંતોષ માનનાર આરટીઓ અને ટ્રાફિક વિભાગ વર્ષના ૧૨ મહિના સતત ચેકિંગની કામગીરી કરે તેવી માગ ઉઠી છે.

સરકારી તંત્રમાં માનવ જીવનનું કોઇ મુલ્ય નથી એ હરણી બોટ દુર્ઘટના અને રાજકોટ અગ્નિકાંડથી સાબિત થઇ ગયુ છે. પણ આ બન્ને દુર્ઘટનાઓ બાદ લોકોમાં ભભૂકી ઉઠેલ રોષ જોઇને હવે સરકારના તમામ વિભાગો દોડતા થયા છે. પરંતુ વડોદરામાં ટ્રાફિક વિભાગ અને આરટીઓ હજુ પણ ઊંઘી રહ્યા છે. વડોદરામાં ૪૦૦ જેટલી ખાનગી પ્રાઇમરી સ્કૂલ્સ છે. એક સ્કૂલમાં સરેરાશ ૧૫ વાન અને રિક્ષાની ગણતરી કરીએ તો પણ રોજ ૫,૦૦૦થી વધુ વાન અને રિક્ષાઓ બાળ વિદ્યાર્થીઓને લઇને દોડી રહી છે. 

આ ૫,૦૦૦ વાહનોનું આરટીઓ અને ટ્રાફિક વિભાગ દ્વારા નિયમિત ચેકિંગ થવુ જોઇએ. કેમ કે બાળકોની સલામતી માટે વાહનનું ફિટનેસ, સીએનજી ટેન્કની ફિટનેસની ચકાસણી ઉપરાંત સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા ૨૦ કિ.મી. પ્રતિ કલાકની સ્પીડથી વધુ દોડવી ના જોઇએ, ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન થવું જોઇએ આ બધા નિયમો છે પરંતુ તેમાંથી એક નિયમનું પણ પાલન વાન અને રિક્ષા ચાલકો દ્વારા કરવામાં આવતુ નથી તેની સામે આરટીઓ અને ટ્રાફિક વિભાગે આકરા પગલા લેવા જોઇએ પરંતુ આજે હાથ ધરવામાં આવેલા ચેકિંગ અભિયાનમાં માત્ર ૮૧ સ્કૂલ વાન અને રિક્ષાઓ સામે ઇ-મેમો અને ડિટેઇન કરવા જોવી કામગીરી કરી હતી અને ૧.૪૭ લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

સ્કૂલ વર્દી વાન એસોસિએશનના પ્રમુખ કહે છે કે વડોદરા આરટીઓને એ પણ ખબર નથી કે સ્કૂલવાન માટે અલગ પરમિટ હોય છે

'વડોદરામાં ૫,૦૦૦થી વધુ સ્કૂલ વર્દી વાન અને રિક્ષાઓ છે. એક પણ વાન અને રિક્ષા પાસે સ્કૂલવાન માટેની પરમિટ નથી તેનું કારણ વાન અને રિક્ષા ચાલકો નહી ખુદ આરટીઓ છે. અમે પાંચ વર્ષથી પરમિટ માગી રહ્યા છીએ પણ અમને પરમિટ આપવામા આવતી નથી' આ શબ્દો છે વડોદરા સ્કૂલ વર્દી વાન એસોસિએશનના પ્રમુખ જીવનભાઇ ભરવાડના.

અમે પરમિટ માગી રહ્યા છીએ પણ આરટીઓ આપતી જ નથી, અમદાવાદમાં રોજની 50 ઇશ્યુ થાય છે


તેઓ કહે છે 'વડોદરા આરટીઓ અધિકારીને અમે કહ્યું કે અમદાવાદમાં રોજ ૫૦ સ્કૂલવાનને પરમિટ આપવામાં આવે છે તો તેઓએ કહ્યું કે  એ શું હોય... કઇ પરમિટ... હું અમદાવાદ પુછીને પછી કહીશ. હવે આરટીઓને જ ખબર નથી કે સ્કૂલવાન માટે પરમિટ હોય તો પછી અમે લોકો કોની પાસે જઇએ. નિયમ એવો છે કે પહેલા વાનનું ટેક્સી પાસિંગ કરાવુ પડે પછી તેને સ્કૂલવાન માટે પરમિટ મળે. જો ૭ સીટની ગાડી હોય તો ૧૪ બાળકોની, ૫ સીટની ગાડી હોય તો ૧૦ બાળકોની અને રિક્ષા હોય તો ૬ બાળકોની પરમિટ મળે છે. 

આરટીઓ અને ટ્રાફિક વિભાગે 5000 થી વધુ સ્કૂલવાન-રિક્ષાઓમાંથી માત્ર 81 સામે જ કાર્યવાહી કરી સંતોષ માન્યો 2 - image

શુક્રવારે પણ વાન અને રિક્ષાઓમાં બાળકોને ઠાંસી ઠાંસીને ભરીને લઇ જવાતા હતા

વડોદરામાં શુક્રવારે આરટીઓ અને ટ્રાફિક વિભાગે  શહેરના અલગ અલગ વિસ્તારોમાં  સ્કૂલવાન અને રિક્ષાઓનું ચેકિંગ હાથ ધર્યુ હતું. આ દરમિયાન ૮૦થી વધુ વાહનો સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી અને દંડ વસુલાયો હતો

જો કે ચેકિંગ કામગીરી ચાલતી હોવા છતાં સ્કૂલવાન અને રિક્ષા ચાલકોની હિમ્મત એટલી હતી કે વાન અને રિક્ષામાં ક્ષમતા કરતા વધુ બાળકોને ભરી જઇ રહ્યા હતા. કાયદો તોડીને બાળકોનો જીવ જોખમમાં મુકતા વાન અને રિક્ષા ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ પણ ઉઠી છે. 


Google NewsGoogle News