Get The App

બોનસ ચૂકવાતા બજારોમાં તેજીનો માહોલ મધ્ય ગુજરાતમાં ૨ લાખ કર્મચારીઓને રૃપિયા ૩૫૦ કરોડનું બોનસ ચૂકવાયું

હજી પણ કેટલીક કંપનીઓમાં બોનસની ચૂકવણી ચાલું ઃ કેટલાંકે પગાર પણ એડવાન્સ કરી દીધો

Updated: Oct 29th, 2024


Google NewsGoogle News
બોનસ ચૂકવાતા બજારોમાં તેજીનો માહોલ  મધ્ય ગુજરાતમાં ૨ લાખ કર્મચારીઓને રૃપિયા ૩૫૦ કરોડનું બોનસ ચૂકવાયું 1 - image

વડોદરા,તા.29 દિપોત્સવી પર્વ દિવાળીના ઉત્સવની ઉજવણી કરવા માટે  કોર્પોરેટ ગૃહો તેમજ નાની-મોટી કંપનીઓ  અને પેઢીઓએ બોનસની રકમ  કર્મચારીઓ માટે છોડતા ખરીદી માટે ઘરાકી નીકળતા બજારો ઉભરાવા લાગ્યા છે. મધ્ય ગુજરાતના નવ જિલ્લામાં ધનતેરસ સુધી બે લાખથી પણ વધુ કર્મચારીઓને રૃા.૩૫૦ કરોડથી પણ વધુ રકમનું બોનસ ચૂકવાયું છે.

મધ્ય ગુજરાતના નવ  જિલ્લાઓ વડોદરા, પંચમહાલ, દાહોદ, નડિયાદ, આણંદ, નર્મદા, ભરૃચ, છોટાઉદેપુર અને મહીસાગર જિલ્લામાં મંગળવાર સુધી આશરે અંદાજીત રૃા.૩૫૦ કરોડ રૃપિયાથી વધુ રકમના  બોનસની વહેંચણી થતા બજારમાં દિવાળીની ઉજવણીનો ઝગમગાટ જણાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આ ડિવિઝન હેઠળના નવ જિલ્લાઓમાં કુલ ૮ હજારથી વધુ યુનિટોની નોંધણી થઇ છે જે પૈકી  મોટાભાગની કંપનીઓ અથવા યુનિટોમાં  બોનસની વહેંચણી કરવામાં આવી રહી  છે અને તેના રિપોર્ટ પણ સરકારી કચેરીઓને પહોંચાડવામાં આવી રહ્યા છે. જિલ્લાઓમાંથી માહિતીે મળી છે તે મુજબં અત્યાર સુધી કુલ રૃા.૩૫૦ કરોડ રૃપિયાના બોનસની વહેંચણી ૨ લાખથી વધુ કર્મચારીઓને કરવામાં આવી છે અને હજી પણ કંપનીઓ દ્વારા બોનસની વહેંચણીનું કામ ચાલુ છે. કેટલીક કંપનીઓએ તો એડવાન્સ પગાર પણ ચૂકવી દીધો છે.

ઉલ્લેખનીય છે કે કંપની ધારા હેઠળ નોંધાયેલી કંપનીઓ દ્વારા બોનસની ચૂકવણી અંગેની જાણ કાયદા મુજબ શ્રમ વિભાગને કરવામાં આવે છે. શ્રમ વિભાગમાં ના નોંધાયા હોય તેવા નાના એકમો તેમજ સંસ્થાઓ દ્વારા પણ પોતાના કર્મચારીઓને બોનસની ચૂકવણી કરવામાં આવે છે અને આ રકમ જો ઉમેરવામાં આવે તો બોનસની રકમ હજી વધી શકે તેમ છે. 

સૌથી વધુ ભરૃચ જિલ્લામાં બોનસ વહેંચાયું

જિલ્લો રકમ (કરોડ)

ભરૃચ ૧૩૮

વડોદરા ૫૦

પંચમહાલ ૩૩

આણંદ ૧૯

સૌથી વધુ બોનસ આપનારી વડોદરાની કંપનીઓ

કંપની રકમ (કરોડ)

જીએસએફસી ૨૯

એપોલો ટાયર્સ ૧૦.૧૨

બરોડા ડેરી ૪.૫૨

રિલાયન્સ ૩.૧૭

આર.આર. કેબલ ૩.૧૫


Google NewsGoogle News