શહેરના વિવિધ વિસ્તારોમાં રોંગ સાઇડ વાહન હંકારતા ૧૭૪ ચાલકો સામે કાર્યવાહી
૨૩ વાહન ચાલકો પાસે ઇ-ચલણ દ્વારા નાણાં ભરાવ્યા ઃ ૯૦નું કાઉન્સેલિંગ કર્યું
વડોદરા, તા.23 રોંગ સાઇડ વાહન ચલાવી અન્ય લોકોની જિંદગી જોખમમાં મૂકતા વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ઝૂંબેશ દરમિયાન બે દિવસમાં ૧૭૪ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના અલગ - અલગ પોઇન્ટ પર ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે રોંગ સાઇડ વાહન ચલાવતા ચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કોટાલી ગામ કટ, એપીએમસી માર્કેટ, અમિત નગર બ્રિજ, કપુરાઇ બ્રિજ, એલ એન્ડ ટી સર્કલ, માણેક પાર્ક સર્કલ, જાંબુવા બ્રિજ, ફતેગંજ સર્કલ, ગેંડા સર્કલ, મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તા, રાજવી ટાવર, ખિસકોલી સર્કલ તથા વી માર્ટ અલકાપુરી ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
રોંગ સાઇડ વાહન ચલાવતા ૨૩ વાહન ચાલકોને બાકી ઇ-ચલણના નાણાં ભરાવવામાં આવ્યા હતા આ ઉપરાંત ૯૦ વાહન ચાલકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. આ ઝૂંબેશ હજી આગામી દિવસો સુધી પણ ચાલુ રહેશે તેમ ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું.