કુડાસણ પાસે વેપારી ઉપર બ્લેડના ઘા ઝીંકી રૃપિયા 2.53 લાખની લૂંટ

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
કુડાસણ પાસે વેપારી ઉપર બ્લેડના ઘા ઝીંકી રૃપિયા 2.53 લાખની લૂંટ 1 - image


ગાંધીનગરમાં વધતી જતી ગુનાખોરી

ઉઘરાણી કરીને અમદાવાદથી પરત ફરી રહ્યા હતા ત્યારે બાઈક ઉપર આવેલા ત્રણ શખ્સોએ હુમલો કરી લૂંટના ગુનાને અંજામ આપ્યો

ગાંધીનગર:  ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે શહેર નજીક આવેલા કુડાસણમાં ગઈકાલે મોડી સાંજે કારમાં અમદાવાદથી પરત ફરી રહેલા વેપારી ઉપર બાઈક ઉપર આવેલા ત્રણ લૂંટારૃઓએ હુમલો કરીને બ્લેડના ઘા ઝીંકી ૨.૫૩ લાખ રૃપિયાની લૂંટ કરી લીધી હતી. ઘાયલ અવસ્થામાં વેપારીને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તો આ ઘટના સંદર્ભે પોલીસે ગુનો દાખલ કરી લૂંટારુઓને પકડવા મથામણ શરૃ કરી છે.

ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં છેલ્લા થોડા સમયથી ચોરી અને લૂંટના ગુનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ઘરફોડ ગુનાઓ આચરતી ટોળકીને પોલીસે પકડી લીધા બાદ પણ આ ગુનાઓ અટકવાનું નામ લેતા નથી ત્યારે લૂંટારાઓ પણ સક્રિય થઈ ગયા છે. શહેર નજીક કુડાસણ પાસે વધુ એક લૂંટની ઘટના બનવા પામી હતી. જે અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે કુડાસણ ગ્રીન પાર્ક સોસાયટીની સામે રહેતા કમલેશભાઈ ભીખાભાઈ પટેલ કુડાસણ ખાતે સાબુ તેમજ અન્ય સરસામાનનો વેપાર કરે છે. ગઈકાલે બુધવારના સાંજના ચાર વાગ્યાના અરસામાં કમલેશભાઈ ધંધાર્થે અને ઉઘરાણી માટે અમદાવાદ દાણીલીમડા કાર લઈને ગયા હતા. જ્યાંથી ઈલીયાસભાઈ પાસેથી ઉઘરાણીના  ૨.૧૮ લાખ લઈને પ્લાસ્ટિકની બેગમાં રાખી ડેકીમાં મૂકી ઈન્દીરાબ્રીજ થઈ કોબા સર્કલ પસાર કરી પીડીપીયુ ભાઈજીપુરા ચાર રસ્તા આવ્યા હતા. અને અંધારું તેમજ સતત વાહનોની અવરજવર હોવાથી ધીમે ધીમે રોડની સાઈડમાં પાર્કીંગ લાઈટ ચાલુ કરી ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે કુડાસણ પાટીયા ખાતે અચાનક તેમની બાજુમાં બે બાઇક ઉપર આવેલા ત્રણ લૂંટારૃઓએ ગાડી ઉભી રખાવી દીધી હતી.જે પૈકીના એક લૂંટારૃએ ડ્રાઇવર સાઈડનો દરવાજો ખોલવાની કોશિષ કરી હતી. જેથી કમલેશભાઈએ કારણ પૂછતાં જ તેણે જોરથી દરવાજો ખેંચીને ખોલી નાંખી ઝગડો કર્યો હતો. આ દરમ્યાન અન્ય એક લૂંટારૃએ ઝપાઝપી દરમ્યાન કમલેશભાઈ પર બ્લેડ વડે હૂમલો કર્યો હતો અને ત્રીજા લૂંટારૃએ કારમાંથી ઉઘરાણીનાં રૃ. ૨.૧૮ લાખ તેમજ બીજા ૩૫ હજાર મળીને ૨.૫૩ લાખ લૂંટી લીધા હતા.

ગંભીર રીતે ઘવાયેલા કમલેશભાઈએ બુમાબુમ કરતા શખ્સો ત્યાંથી નાસી છૂટયા હતા. બીજી બાજુ તેમના પરિવારજનો પણ તેમને શોધતા આવી પહોંચ્યા હતા અને તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલથી ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના સંદર્ભે ઇન્ફોસિટી પોલીસે લૂંટારુઓ સામે ગુનો દાખલ કરીને તેમને પકડવા મથામણ શરૃ કરી છે.


Google NewsGoogle News