અંબાજી દર્શન માટે જતાં મુંબઇના એડવોકેટ અને પત્નીને ટ્રેનમાં બેભાન કરી ૩.૩૪ લાખની લૂંટ

પતિ અને પત્ની હોશમાં આવ્યા ત્યારે જોઘપુરની હોસ્પિટલમાં હતાં ઃ બે ગઠિયા સામે ગુનો

Updated: Nov 23rd, 2023


Google NewsGoogle News
અંબાજી દર્શન માટે જતાં  મુંબઇના એડવોકેટ અને પત્નીને ટ્રેનમાં બેભાન કરી ૩.૩૪ લાખની લૂંટ 1 - image

વડોદરા, તા.23 અંબાજી દર્શન માટે પત્ની સાથે જતા મુંબઇના એડવોકેટ અને તેમના પત્નીને ટ્રેનના રિઝર્વેશન કોચમાં બેહોશ કરી ગઠિયાના સ્વાંગમાં બેસેલા બે પ્રવાસી સોનાના દાગીના સહિત કુલ રૃા.૩.૩૪ લાખની મત્તા લૂંટી ગયા હતાં.

આ અંગેની વિગત એવી છે કે ઇસ્ટ મુંબઇમાં ભાઇબાલમુકુંદ માર્ગ પર આવેલ ચન્દ્રદર્શન હાઇટ્સ ખાતે રહેતા ૭૧ વર્ષના એડવોકેટ જીતેન્દ્ર રાયચંદ સોલંકીને અંબાજી ખાતે દર્શન માટે જવાનું હોવાથી તેમણે પોતાનું અને પત્નીનું દાદર-બિકાનેર રાણકપુર એક્સપ્રેસ ટ્રેનના સ્લીપર કોચમાં રિઝર્વેશન કરાવ્યું હતું. વૃધ્ધ દંપતી દાદર રેલવે સ્ટેશન પરથી ટ્રેનમાં બેસી દર્શન માટે રવાના થયા હતાં. સાંજે ટ્રેન વડોદરાથી ઉપડયા બાદ તેમની સાથેની સીટ પર બેસેલા બે શખ્સોએ પાણીની બોટલમાં ઘેનયુક્ત પદાર્થ વૃધ્ધ દંપતીની જાણ બહાર ભેળવી લીધો  હતો.

ઘેનયુક્ત પાણી પીતાં જ જીતેન્દ્રભાઇ અને તેમના પત્ની બેભાન થઇ ગયા હતાં તેઓ જ્યારે હોશમાં આવ્યા ત્યારે જોધપુર પાસેની  હોસ્પિટલમાં દાખલ હતાં. ટ્રેનમાં બેસેલા બંને ગઠિયા દંપતીની કાળા રંગની ટ્રોલીબેગ, શરીર પર પહેરેલા દાગીના અને રોકડ મળી કુલ રૃા.૩.૩૪ લાખની મત્તા લૂંટી ગયા હતાં. આ અંગે જીતેન્દ્ર સોલંકીની ફરિયાદના આધારે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




Google NewsGoogle News