વેપારીને બાનમાં લઇ બુકાનીધારી લૂંટારૃઓ દ્વારા ૨૦.૧૪ લાખની લૂંટ

પોલીસે ઠેરઠેર નાકાબંધી અને ચેકિંગ હાથ ધરતાં દાહોદ જિલ્લાના પાંચ લૂંટારૃઓ રોકડ અને દાગીના સાથે ઝડપાયા

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
વેપારીને બાનમાં લઇ બુકાનીધારી લૂંટારૃઓ દ્વારા ૨૦.૧૪ લાખની લૂંટ 1 - image

રાજપીપળા તા.૨૫ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના હરીપુરા ગામમાં વેપારીને ત્યાં ત્રાટકેલી  બુકાનીધારી લૂંટારૃ ટોળકીએ રૃા.૨૦.૧૪ લાખ કિંમતની રોકડ તેમજ દાગીનાની લૂંટ કર્યા બાદ સફાળી જાગેલી નર્મદા જિલ્લા પોલીસે દોડાદોડી કરી લૂંટનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી પાંચ શખ્સોને ઝડપી  પાડયા  હતાં. 

આ અંગેની વિગત એવી છે કે હરીપુરા ગામમાં રહેતા વેપારી અબ્દુલરફિક હારુનાલી મેમણ રાત્રે ઊંઘતા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ  દુકાનનો દરવાજો કોઈ સાધન વડે તોડી દુકાનથી ઘરમાં પ્રવેશી પલંગ પર ઊંઘતા અબ્દુલ મેમણને એક શખ્સે લોખંડનો અણીદાર સળિયો પેટ પર મૂકી બીજા શખ્સે ઘરમાં ટેબલ પાસે પડેલ અણીદાર ધારીયું લઈ ગળા પર મૂકી જણાવેલ કે, ચૂપચાપ કુછ ભી બોલે બિના લેટે રહના વરના ધારીયા સે પુરા કર ડાલેંગે તેવી હિન્દી ભાષામાં ધમકી આપી હતી. વેપારીને પલંગ પર જ સૂવડાવી રાખી લોખંડના અણીદાર સળિયાથી તિજોરીનો નકૂચો તોડી અંદર મૂકેલી રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૃા.૨૦.૧૪ લાખની લૂંટ કરી ધમકી આપી લૂંટારૃ ટોળકી ફરાર થઇ ગઇ હતી.

દરમિયાન કુલ છ લૂંટારૃઓ ત્રાટક્યા હોવાની જાણ સૌપ્રથમ ગરુડેશ્વર પોલીસને થયા બાદ નર્મદા જિલ્લા પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ નાકાબંધી શરૃ કરવામાં આવી  હતી  અને પિછીપુરા  ચોકડી પાસે બે બાઇક પર જતા પાંચ શખ્સોને કોર્ડન કરી પોલીસે ઝડપી પાડયા હતાં તેમની પાસેની થેલીમાંથી રૃા.૧૨.૯૧ લાખ અને સોના-ચાંદીના દાગીના, બે બાઇક, પાંચ મોબાઇલ કબજે કરવામાં આવ્યા હતાં. મૂળ દાહોદ જિલ્લાની લૂંટારૃ ટોળકીએ અગાઉ અમદાવાદ શહેર અને જિલ્લા ઉપરાંત મહેસાણા તેમજ સુરતમાં પણ ચોરી અને લૂંટના ગુનાઓને અંજામ આપ્યો હોવાનું પોલીસને જાણવા મળ્યું  હતું. ઉલ્લેખનીય છે કે બુકાનીધારી લૂંટારૃ ટોળકીનો એક સાગરીત હજી ઝડપાયો નથી.




Google NewsGoogle News