દિવાળીપુરામાં ત્રાટકેલા લૂંટારાઓ ગૃહિણીના ગળામાંથી અછોડો તોડીને ફરાર
વૃદ્ધ દંપતી સોસાયટીમાં આવેલા મંદિરે દર્શન કરીને પરત આવ્યું ત્યારે ચોર ઘરમાં ચોરી થઇ રહી હતી
વડોદરા,શહેર ગુનેગારોને હવાલે થઇ ગયું છે. ચોરી, લૂંટ, મર્ડર, મારામારીની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. પોલીસ તંત્ર સદંતર નિષ્ફળ નિવડયું છે. આજે વહેલી સવારે દિવાળીપુરા વિસ્તારમાં ત્રણ લૂંટારાઓ ઘરમાં ચોરી કરી તેમજ વૃદ્ધ મહિલાના ગળામાંથી અછોડો તોડીને બિન્દાસ્તપણે ફરાર થઇ ગયા હતા.
દિવાળીપુરા પેરિસ નગર સોસાયટીમાં રહેતા કમલેશબેન સિતારામભાઇ ગુપ્તા અને તેમના પતિ એકલા જ રહે છે. તેમના ત્રણ સંતાનો વિદેશમાં છે જ્યારે એક દીકરી રાજસ્થાનમાં રહે છે. તેમણે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, આજે સવારે સાડા પાંચ વાગ્યે હું અને મારા પતિ રોજિંદા ક્રમ મુજબ ઘરને તાળું મારી સોસાયટીમાં આવેલા મહાદેવના મંદિરે દર્શન કરવા ગયા હતા. અમે દર્શન કરીને પરત આવ્યા ત્યારે અમારા ઘરના દરવાજા પાસે એક અજાણ્યો વ્યક્તિ ઉભો હતો. મેં તેઓેને પૂછ્યું કે, તમે કેમ અહીંયા ઉભા છો. તેણે એવો જવાબ આપ્યો કે, હું મળવા આવ્યો છું. દરમિયાન મારા ઘરમાંથી બીજા બે વ્યક્તિઓ દોડીને બહાર નીકળ્યા હતા. ત્યારબાદ ત્રણેય વ્યક્તિઓ ભાગવા લાગ્યા હતા. મેં તેઓને પકડવા જતા એક આરોપીએ મારા ગળામાંથી સોનાની ચેન ઝૂંટવી લીધી હતી. ત્યારબાદ અમારા ઘરની નજીક પાર્ક કરેલી બાઇક પર બેસીને ત્રણેય ભાગી ગયા હતા. અમારા ઘરના તાળા તૂટેલા હતા. અમે ઘરમાં જઇને તપાસ કરતા તિજોરી ખુલ્લી હતી અને ડ્રોવર બહાર પડયા હતા.ચોર ટોળકી સોના ચાંદીના દાગીના, રોકડા ૪૦ હજાર તથા ૩૦૦ અમેરિકન ડોલર ચોરી ગયા હતા. માત્ર ૧૫ મિનિટના ગાળામાં જ ચોર ટોળકી ૧.૯૦ લાખની મત્તા લૂંટીને ફરાર થઇ ગઇ હતી. જે અંગે અકોટા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.