ભાયલીમાં ચડ્ડીબંડી ગેંગ માથે તિજોરી ઉઠાવી ગયા બાદ કમિશનરના બંગલા પાસે જ્વેલર્સમાં બુકાનીધારીઓએ લૂંટ ચલાવી
નંબર પ્લેટ વગરની કારમાં આવ્યા હતા, સિક્યુરિટી ગાર્ડેના માથામાં પાઇપ ફટકારી, ઉતાવળમાં ૧૦ ચેન પડી ગઇ
વડોદરાઃ ભાયલીમાં ચડ્ડીબંડી ગેંગ માથે તિજોરી ઉઠાવી જતી હોવાના વાયરલ થયેલા વીડિયોના બનાવ બાદ આજે પરોઢિયે પોલીસ કમિશનરના બંગલા પાસે જ્વેલર્સ શો રૃમમાં ત્રાટકેલા લૂંટારા સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરી રૃ.પોણા બે લાખના દાગીના લૂંટી ગયા હોવાનો બનાવ બન્યો છે.
અલકાપુરી કોન્કર્ડ બિલ્ડિંગના સેમી બેઝમેન્ટ એલજીમાં બાબુભાઇ જ્વેલર્સ નામની દુકાન ધરાવતા જિગ્નેશ સોનીએ પોલીસને કહ્યું છે કે,આજે પરોઢિયે ચારેક વાગે નંબર પ્લેટ વગરની ઇકો કાર લઇને આવેલા ચાર લૂંટારા મારી દુકાનના શટરના બે તાળાં તોડી ઘૂસ્યા હતા.અમે મોટાભાગના દાગીના લોકરમાં મૂકતા હોવાથી લૂંટારા બહાર ટ્રેમાં મુકેલા ૧૮ કેરેટના ૧૦૦ જેટલા દાગીના (રૃ.પોણા બે લાખ) લૂંટી ગયા હતા.
આ દરમિયાન સિક્યુરિટી ગાર્ડ રાજેન્દ્ર પાલે તેમને પડકારતાં લૂંટારાઓ પૈકી એક જણાએ તેના માથામાં પાઇપ ફટકારી હતી.બીજા ગાર્ડ આવી જતાં લૂંટારા કારમાં ફરાર થઇ ગયા હતા.આ દરમિયાન ૧૦ ચેન નીચે વેરણછેરણ પડી ગઇ હતી.સયાજીગંજ પોલીસે આ અંગે લૂંટનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરી છે.