વડોદરાના ડભાસા ગામમાં લૂંટારા ત્રાટક્યા : લૂંટારા સોનાની બુટ્ટીઓ પહેરેલ જમણો કાન કાપીને લઈ ગયા
Loot Crime in Vadodara : વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડભાસા ગામમાં મધરાત્રે બે લુંટારા ત્રાટક્યા હતા અને ઘરમાં પોતાના રૂમમાં નિદ્રાધીન વૃદ્ધાનું ગળું દબાવી દાગીના લુટી લીધા હતા. ઉપરાંત વૃધ્ધાએ જમણા કાનમાં પહેરેલા દાગીના ન નિકળતા લૂટારા કાન કાપીને લઇ ગયા હતા. મોડી રાત્રે બનેલા બનાવને પગલે ગામમાં સનસનાટી મચી ગઈ હતી આ બનાવ અંગે પાદરા પોલીસે તપાસ શરૂ કરી છે.
પાદરા તાલુકાના ડભાસા ગામમાં 60 વર્ષીય મધુબેન શાંતિલાલ સોલંકી પરિવાર સાથે રહે છે. ત્રણ રૂમના મકાનમાં મધુબેન પોતાના રૂમમાં સુઈ ગયા હતા. જ્યારે તેમનો પુત્ર કિરણ, પુત્ર વધુ શકુબેન અને પૌત્ર કૌશિક અન્ય રૂમમાં સૂઈ ગયા હતા. દરમિયાન રાત્રે 2:00 વાગ્યાના સુમારે બે લુટારા મકાનના પાછળના દરવાજેથી ઘરમાં ઘૂસ્યા હતા અને નિદ્રાધીન વૃદ્ધાનું ગળું દબાવી તેઓના શરીર પરના દાગીના લૂંટી લીધા હતા. ઉપરાંત કાનમાં પેરેલ દાગીના સાથેનો કાન કાપીને લઈ ગયા હતા.
મધરાતે બનેલા આ બનાવની જાણ પરિવારજનોને થતા પરિવારજનો પણ ગભરાઈ ગયા હતા અને આ બનાવની જાણ પાદરા પોલીસને કરવામાં આવતા પાદરા પોલીસ મથકના પીઆઇ એલ.બી.તડવી પોતાના સ્ટાફ સાથે દોડી ગયા હતા. તે સાથે ડીવાયએસપી બી.એચ.ચાવડા પણ દોડી ગયા હતા. અને વિગતો મેળવી હતી. સમગ્ર પંથકમાં હાહાકાર મચાવી મૂકનાર આ બનાવ અંગે એલ.સી.બી. પીઆઇ કૃણાલ પટેલે અલગ અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.
બીજી બાજુ વહેલી સવારે આ બનાવની જાણ ગામમાં પ્રસરી થતાં ગામના લોકો પણ અને ફળિયાના લોકો દોડી આવ્યા હતા. પાદરા પોલીસ દ્વારા લૂંટારોના સગડ મેળવવા માટે ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદ લઈને તપાસનો દોર શરૂ કર્યો છે. પરંતુ હજી સુધી પોલીસને લૂંટારા અંગેના કોઈ સગડ મળ્યા નથી.
પાદરા પોલીસ મથકમાં ભોગ બનેલા મધુબેન સોલંકીએ નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે બે લૂંટારા ઘરમાં ઘૂસી આવ્યા હતા અને ગળુ દબાવી સોનાના વીટલા 6 નંગ, નખલી 2 નંગ, મળી રૂપિયા 2 લાખ રૂપિયાની કિંમતના 4 તોલા સોનાના દાગીના લુંટી લીધા હતા. અને જમણા કાનમાં પહેરેલ સોનાના 3 સોનાની નખલી અને સોનાની બુટ્ટી લૂંટારાથી ન નિકળતા તેઓ કાન કાપીને લઈ ગયા હતા. લૂંટારા લૂંટ ચલાવીને ભાગી રહ્યા હતા તે દરમિયાન બુમરાણ કરતા પુત્ર કિરણ, પુત્રવધુ શકુબેન અને પૌત્ર કૌશિક દોડી આવ્યા હતા. પરંતુ તેઓ મારા રૂમમાં આવે તે પૂર્વે લૂંટારા ફરાર થઈ ગયા હતા.