વુડાની ૪ ટીપી સ્કીમોમાં રોડલાઇનમાં વિસંગતતા જણાતા સુધારો કરાશે
ડેવલોપમેન્ટ પ્લાન મુજબ રોડલાઇન તૈયાર કરી અંતિમ મંજૂરી માટે ચારેય ટીપી સ્કીમો સરકારમાં મોકલાશે
વડોદરા, તા.27 વડોદરા શહેરના પૂર્વ દક્ષિણ વિસ્તારમાં વુડાની ચાર ટીપી સ્કીમોનો ઇરાદો જાહેર કર્યા બાદ ઓનર્સ મિટિંગમાં કુલ ૧૫૩ વાંધાઓ આવ્યા હતાં. જેમાં રોડલાઇનમાં વિસંગતતા જણાતા ડીપીના રોડની રોડલાઇનમાં સુધારો કરવા માટે વુડા તૈયાર થતાં આ દરખાસ્તોને હવે સરકારમાં મંજૂરી માટે મોકલવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે વુડા દ્વારા સુંદરપુરા, ધનિયાવીની ૨૬ એ ટીપી સ્કીમનો ઇરાદો જાહેર કરવામાં આવ્યો હતો. બાદમાં તા.૧ સપ્ટેમ્બરના રોજ વુડા ભવન ખાતે ઓનર્સ મિટિંગ રાખવામાં આવી હતી અને એક માસની મુદતમાં વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા હતાં. જેમાં આ ટીપી સ્કીમ માટે કુલ ૩૨ વાંધાઓ આવ્યા હતાં. આ વાંધાઓ અંગે નિર્ણય લેવા તેમજ તે મુજબ સુધારો કરવાની જરૃર ઉભી થઇ છે. વડોદરાનો ડેવલોપમેન્ટ પ્લાન બનાવતી વખતે સ્થળસ્થિતિ તેમજ રોડલાઇનમાં વિસંગતતા જણાઇ હતી. જેથી ડીપીના રોડલાઇનમાં સુધારો કરવા માટે આ ટીપી સ્કીમને હવે સરકારમાં મંજૂરી માટે મોકલવામાં આવશે.
તેવી જ રીતે વોરાગામડીની ટીપી સ્કીમ ૨૬ બીમાં કુલ ૨૪ વાંધાઓ વુડાની ઓનર્સ મિટિંગમાં આવ્યા હતાં આ વાંધાઓ અને વડોદરાના ડીપીના રોડલાઇનમાં સુધારો કરવાની જરૃરિયાત ઊભી થઇ છે. આ ઉપરાંત ચિખોદ્રા અને અલ્હાદપુરા ખાતેની ૨૬ સી ટીપી સ્કીમ માટે કુલ ૬૦ વાંધાઓ રજૂ થયા હતાં અને બાકરોલ, જેસંગપુરાની ૨૮ ડી ટીપી સ્કીમ માટે ૩૨ વાંધાઓ રજૂ થયા હતાં.
ઉપરોક્ત ચારેય ટીપી સ્કીમોમાં કુલ ૧૫૨ વાંધાઓ રજૂ થતાં તેમજ ડેવલોપમેન્ટ પ્લાન મુજબ રોડલાઇનમાં સુધારો કરવા માટે ચારેય ટીપી સ્કીમોને સરકારમાં મંજૂરી માટે વુડા દ્વારા મોકલવામાં આવશે.