વડોદરામાં રસ્તાના કામમાં કોન્ટ્રાક્ટર વચ્ચે રિંગ : માનીતા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ પધરાવી દેવાનો કારસો
Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનમાં રસ્તાની કામગીરી માટે અવારનવાર ટેન્ડરો બહાર પાડવામાં આવે છે. તેમાં કોન્ટ્રાક્ટરો રિંગ કરી દેતા હોય છે અને માનીતા કોન્ટ્રાક્ટરને કામ મળે તે માટે પેરવી થતી રહી છે.
વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રોડના કામના ઇજારામાં માત્ર બે કોન્ટ્રાક્ટરે ટેન્ડર ભર્યું અને બંનેએ રિંગ કરી કામની વહેંચણી કરી લીધી હતી. એટલું જ નહી, અલગ અલગ બે ઇજારદારોને અંદાજથી છ ટકા જેટલી વધુ રકમ ચૂકવવામાં આવશે.
અટલાદરા માંજલપુરથી બિલાબોંગ સ્કૂલ જંકશન સુધીના બાકી 6 મીટરની પહોળાઈમાં આરસીસી રસ્તો બનાવવા ઇજારદાર મે.અગ્રવાલ કન્સ્ટ્રક્શને અંદાજથી 12.99% વધુનું ભાવપત્ર આવ્યું હતું. ઇજારદારે ભાવ ઘટાડો કરતા તબક્કાવાર બે વખત તેણે ભાવ ઘટાડો કરી અંદાજથી છ ટકા વધુનું રૂપિયા 98,72,878નું ભાવપાત્ર રજૂ કર્યું છે. ખિસકોલી સર્કલથી અટલાદરા બ્રિજ બાકીનો રસ્તો આરસીસી બનાવવા ઇજારદાર મે.એકમે કન્સ્ટ્રક્શને અંદાજથી 13.53% વધુ ભાવનું ભાવપત્ર આવ્યું હતું. ઇજારદારને ભાવ ઘટાડો કરવાનું જણાવતા અલગ અલગ બે વખત તેણે ઘટાડો કરી અંદાજથી છ ટકા વધુ રકમનું રૂ.2,14,30,423નું ભાવપત્ર રજૂ કર્યું છે. સ્થાયી સમિતિની બેઠકના આધારે તેઓને કામ આપવાનો નિર્ણય લેવાશે.