વીસીને કર્નલનો માનદ હોદ્દો આપવાના કાર્યક્રમમાં સુરક્ષાના નામે કલાકો સુધી રસ્તો બંધ કરાયો, વિદ્યાર્થીઓને હેરાનગતિ
M S University Vadodara : એનસીસી થકી દેશની સેવા અને સુરક્ષામાં યોગદાન બદલ એમ.એસ.યુનિવર્સિટી સહિત દેશની 19 યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલરોને તાજેતરમાં સરકાર દ્વારા કર્નલનો માનદ હોદ્દો એનાયત કરવામાં આવ્યો હતો.
એમ.એસ.યુનિવર્સિટીમાં આજે વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવે યુનિફોર્મ સાથે આ માનદ હોદ્દો ધારણ કર્યો હતો. જે માટે પાઈપિંગ સેરેમની નામથી એક કાર્યક્રમનું યુનિવર્સિટીના ચં.ચી મહેતા ઓડિટોરિયમ ખાતે આયોજન કરાયુ. હતું. જોકે આ કાર્યક્રમના કારણે યુનિવર્સિટીમાં ડી.એન હોલથી સાયન્સ ફેકલ્ટી તરફ અવર જવર કરવાનો રસ્તો કલાકો સુધી બંધ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
યુનિવર્સિટીમાં તાજેતરમાં કોમર્સમાં પ્રવેશના મુદ્દે અને હોસ્ટેલ મેસની ફી સામે આંદોલન કરનાર વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદના મુદ્દે વાઈસ ચાન્સેલર સામે આંદોલન થયા હતા. આજના કાર્યક્રમમાં વિદ્યાર્થી સંગઠનો દેખાવો ના કરે તેવા ડરથી મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. યુનિવર્સિટીની તમામ સિક્યુરિટીને પણ એક જ જગ્યાએ ગોઠવી દેવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન ઓડિટોરિયમનો એક દરવાજો તો અંદરથી બંધ કરી દેવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન પણ ઓડિટોરિયમના દરવાજા પર પોલીસ ગોઠવવામાં આવી હતી.
એવી પણ ચર્ચા ચાલી હતી કે, વડોદરા શહેર પોલીસને એક તરફ પોલીસ જવાનોની તાતી જરૂરિયાત હોય છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા યુનિવર્સિટીમાં છાશવારે મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવા પાછળનું કારણ શું છે?