માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયરો પણ આંદોલનના માર્ગે રાજ્યના વિકાસ માટે બજેટ ૧૫૪ ટકા વધ્યું પરંતુ ૫૯ ટકા ઇજનેરોની જગ્યા ખાલી

સમગ્ર રાજ્યમાં માત્ર ૪૧ ટકા ભરાયેલી જગ્યાથી કામગીરી ઃ એક ઇજનેરને અન્ય વિભાગોના પણ ચાર્જ

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયરો પણ આંદોલનના માર્ગે  રાજ્યના વિકાસ માટે બજેટ ૧૫૪ ટકા વધ્યું પરંતુ ૫૯ ટકા ઇજનેરોની જગ્યા ખાલી 1 - image

વડોદરા, તા.1 લોકસભા ચૂંટણી નજીક આવતાં જ વિવિધ સરકારી કર્મચારીઓના મંડળ દ્વારા સરકાર સામે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારના મહત્વના વિભાગ માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયરો પણ હવે તેમાં સામેલ થયા છે. સમગ્ર ગુજરાતમાંથી માર્ગ અને મકાન વિભાગના કર્મચારીઓ આજે ગાંધીનગર ઉમટી પડયા હતા અને સચિવને આવેદનપત્ર આપી માંગણીઓ જલદી સંતોષવાની માંગણી કરી હતી.

એન્જિનિયરોની મુખ્ય માંગણીઓ એ હતી કે એન્જિનિયરોની નિશ્ચિત કચેરી કાર્યપધ્ધતિ નક્કી કરવી, કામના ચોક્કસ કલાકો ફરજિયાતપણે નિયત કરવા, વિભાગના બજેટમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૫૪ ટકાનો વધારો થયો છે જ્યારે વિભાગનું મહેકમ છેલ્લા ઘણા વર્ષોથી યથાસ્થિતિમાં છે તેમજ સરેરાશ ૫૯ ટકા જેટલી જગ્યાઓ હાલમાં ખાલી બોલે છે જે ખાલી જગ્યાઓ બાબતે વિધાનસભા સત્રમાં મુખ્યમંત્રીએ પણ ઓન રેકર્ડ ઉલ્લેખ કર્યો  હતો. આ ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવામાં આવે તેમજ ફરજમોકૂફીના કિસ્સામાં એન્જિનિયરોની પણ રજૂઆતો સાંભળવામાં આવે.

એન્જિનિયરો દ્વારા અગાઉ રજૂઆતો કરાઇ હતી જેમાં જણાવ્યું હતું કે વિભાગમાં ક્ષેત્રીય કક્ષાએ તાંત્રિક સ્ટાફની ફક્ત ૪૧ ટકા જગ્યાઓ ભરાયેલી છે જે ગંભીર બાબત છે અને વિકાસની કામગીરીઓ માટે એક વોર્નિગ એલાર્મ છે. અનેક પેટાવિભાગોમાં મદદનીશ ઇજનેરોના સહાયક એવા વર્ક આસિસ્ટન્ટ, કારકૂન, ટેકનિકલ આસિસ્ટન્ટની જગ્યાઓ સાવ નહિવત તથા ઘણી જગ્યાઓ સાવ ખાલી છે. સરકાર દ્વારા કારકૂન, રોજમદારો તથા  વર્ગ-૪ના કર્મચારીઓની ભરતી બંધ કરી હોવાથી હાલ ક્ષેત્રીય કચેરીઓમાં મદદનીશ ઇજનેરોની નીચે કોઇ સહાયક સ્ટાફ જ ઉપલબ્ધ નથી. જેથી એક મદદનીશ ઇજનેરે બે-બે કે ત્રણ-ત્રણ સેક્શનના ચાર્જ સાથે સાથે વર્ક આસિસ્ટન્ટ તેમજ કારકૂન કક્ષાની કામગીરીનું ભારણ પણ ખુદ મદદનીશ ઇજનેર જ ઉઠાવે છે.


કામના ભારણના કારણે એન્જિનિયરો ગંભીર બીમારીઓની દવાઓ લેતા થઇ ગયા

વડોદરા, તા.1

રાજ્ય સરકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગમાં મંજૂર મહેકમ મુજબની જગ્યાઓ સમયસર ભરવામાં આવતી નહી હોવાથી વધુ પડતાં ભારણના કારણે મદદનીશ ઇજનેરો પર શારીરિક અને માનસિક તણાવના પ્રમાણમાં વધારો થયો છે તેવી રજૂઆત ઇન્જિનિયરો દ્વારા મુખ્યમંત્રીને કરવામાં આવી છે. આ રજૂઆતમાં વધુ જણાવ્યું છે કે ઘણા મદદનીશ ઇજનેરોમાં ૨૫થી ૩૫ વર્ષની યુવાન વયે હાઇબ્લડ પ્રેશર, ડાયબિટિસ, કમર સાંધાના દુઃખાવા, અનિંદ્રા, તણાવ વગેરે જેવા રોગોની દવાઓનું સેવન કરતા થઇ ગયા છે.




Google NewsGoogle News