વડોદરાથી વાઘોડિયા તરફ જતો રોડ અકસ્માત ઝોન : ત્રણ દિવસમાં બે ના મોત
રોડ પર અંધારપટ, રખડતા ઢોર અને સ્પીડ બ્રેકરના કારણે અવાર - નવાર અકસ્માત સર્જાય છે
વડોદરા,વડોદરાથી વાઘોડિયા તરફ જતા રોડ પર રાતે અંધારપટના કારણે અવાર - નવાર અકસ્માતો થાય છે. ત્રણ દિવસમાં બે વ્યક્તિઓના મોત થયા છે. પરંતુ, તંત્ર હજી ઘોર નિંદ્રામાં છે.ગઇકાલે રાતે આમોદર ગામ પાસે રોડ પર ગાય આવી જતા ડિવાઇડર સાથે અથડાઇને ઇજા પામેલા બાઇક સવારનું મોત થયું છે.
મકરપુરાની મારૃતિધામ સોસાયટીમાં રહેતા ૩૮ વર્ષના હિતેશકુમાર લલ્લુભાઇ પરમાર ઇન્સ્યોરન્સનું કામ કરતા હતા. વડોદરાથી વાઘોડિયા ગામ તરફ જતા રોડ પર હાલમાં જ ભાડે મકાન લઇને તેઓ રહેવા ગયા હતા.ગઇકાલે રાતે સવા આઠ વાગ્યે બાઇક લઇને તેઓ વાઘોડિયા રોડ આમોદર ગામ પાસેથી બાઇક લઇને પસાર થતા હતા. તે દરમિયાન રસ્તા વચ્ચે ગાય આવી જતા તેમણે બેલેન્સ ગુમાવ્યું હતું. બાઇક ડિવાઇડર સાથે અથડાતા તેઓ બેભાન થઇ ગયા હતા. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, તેઓનું મોત થયું હતું.
હિતેશકુમારના પરિવારજનોનું કહેવું છે કે, વડોદરાથી વાઘોડિયા તરફ જતા રોડ પર લાઇટો ફિટ કરવામાં આવી છે. પરંતુ, ઉદ્ઘાટનની રાહ જોવાતી હોઇ રાતે લાઇટો ચાલુ કરવામાં આવતી નથી. અંધારપટના કારણે રાતે વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાઇ જાય છે. આટલું ઓછું હોય તેમ જાહેર માર્ગો પર રખડતા ઢોર અને સ્પીડ બ્રેકરના કારણે અવાર - નવાર અકસ્માતો થાય છે. બે દિવસ પહેલા પણ એક વ્યક્તિનું મોત થયું હતું.જો તંત્ર હજી નહીં જાગે તો વધુ નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવશે.