વડોદરા-હાલોલ ટોલ રોડ ઉપર રોડ અકસ્માત : પિતા અને ત્રણ સંતાનોના મોત
પીક-અપ વાન પાણી ભરેલા નાળામાં ખાબકતા એક જ પરિવારના ૪ના મોત ઇજાગ્રસ્ત 6 મુસાફરોને એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા
વડોદરા : હાલોલ ટોલ રોડ ઉપર કોટંબી ગામ નજીક આજે ઝાલોદ તરફથી આવતી પીક-અપ વાન પાણી ભરેલા નાળામાં ખાબકતા પીક-અપ વાનમાં ભરેલા ૧૦ મુસાફરો પૈકી ૪ના મોત થયા છે જ્યારે ૬ મુસાફરોને ઇજા થતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
એક મહિના પહેલા નડિયાદ પાસે શટલ કાર ટ્રેલર પાછળ ઘુસી જતા કારમાં સવાર ૯ મુસાફરો અને ડ્રાઇવર સહિત ૧૦ના મોત થયા હતા. આ ઘટના બાદ પોલીસની જ મહેરબાનીથી દોડતા શટલિયા વાહનો થોડા સમય માટે પોલીસે બંધ કરાવ્યા હતા. પરંતુ હવે ફરીથી શટલિયા વાહનો બેફામ દોડવા લાગ્યા છે અને ફરી સર્જાયેલા અકસ્માતમાં ૪ના મોત થયા છે.
ઝાલોદથી પેસેન્જરો ભરીને વડોદરા આવી રહેલ બોલેરો પીક-અપ વાન હાલોલ વડોદરા ટોલ રોડ ઉપર કોટંબી પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે વાન અચાનક પલટી મારીને રોડની સાઇડમાં આવેલા પાણી ભરેલા નાળામાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં પીક-અપ વાનમાં પાછળ બેસેલા ૧૦ મુસાફરો પૈકી મધુભાઇ મંજીભાઇ ડામોર (ઉ.૩૫) મંજીભાઇની પુત્રી મહિતા (ઉ.૭), બે પુત્રો પંકજ (ઉ.૯) અને પ્રવિણ (ઉ.૫) એમ કુલ ચારના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે વેનનો ડ્રાઇવર વિમલ માલસિંગ ડામોર (ઉ.૨૮, રહે. ગોત્રી, વડોદરા),રેશાબેન ગડુભાઇ ડામોર (ઉ.૨૨), શંકરભાઇ વખાલા (ઉ.૪૫, રહે. રાજસ્થાન), લલીતાબેન બાખે (ઉ.૨૨), દિતુબેન મહેશભાઇ ડામોર (ઉ.૩૫) અને એક ૪૫ વર્ષનો અજાણ્યો પુરૃષ મળીને ૬ વ્યક્તિઓને નાની-મોટી ઇજાઓ થતાં વડોદરા ખાતે એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે.
વડોદરા ફાયર બ્રિગેડ નજીકમાં જ હોવાથી તાત્કાલિક રેસ્ક્યૂ થઇ શકયું
કોટંબી નજીક જ એક આગની ઘટના બની હોવાથી વડોદરા ફાયર બ્રિગેડ ત્યાં પહોંચ્યુ હતું તે સમયે જ અકસ્માતનો કોલ મળતા ફાયર બ્રિગેડની ટીમ અકસ્માત સ્થળે પહોંચી હતી. ફાયર કર્મચારીઓનું કહેવું છે કે અમે અકસ્માત સ્થળે પહોંચ્યા ત્યારે ૩ બાળકો સહિત ચારના મોત થઇ ચુક્યા હતા જ્યારે બાકીના ૬ મુસાફરોને ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે વડોદરા મોકલવામાં આવ્યા હતા. જે બાદ પીક-અપ વાનને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. વાનનું એક સાઇડનું ટાયર ફાટેલુ હતું.
ડિવાઇડર સાથે ઘસાતા ટાયર ફાટયુ અને ગાડી પલટી મારી ગઇ
બોલેરો પીક-અપ વાનના ડ્રાઇવર વિમર ડામોરનું કહેવું છે કે તે વડોદરાથી લાકડા ઠાલવવા ઝાલોદ ગયો હતો અને ત્યાંથી આજે પરત ફરી રહ્યો હતો ત્યારે ૧૦ થી ૧૫ મુસાફરો બેસાડયા હતા. ત્યારે ખાલી સાઇડનું ટાયર ડિવાઇડર સાથે ઘસાતા ટાયર ફાટયુ હતું અને ગાડી પલટી મારીને નાળામાં ખાબકી હતી. હું એક વર્ષથી આ પીક-અપ વાન ચલાવું છું.