વર્લ્ડ કપની ભારત - પાકિસ્તાન મેચની ડૂપ્લિકેટ ટિકિટ કૌભાંડમાં પણ રિશિની સંડોવણીની શંકા

જામીન પર છૂટયા બાદ ફરાર થઇ ગયેલા રિશિને પકડવા એસ.ઓ.જી.એ ત્રણ દિવસથી ગોવામાં ધામા નાંખ્યા હતા

Updated: Apr 24th, 2024


Google NewsGoogle News
વર્લ્ડ કપની ભારત - પાકિસ્તાન મેચની ડૂપ્લિકેટ ટિકિટ કૌભાંડમાં પણ રિશિની સંડોવણીની શંકા 1 - image

વડોદરા, પૂર્વ ક્રિકેટર રિશિ અરોઠે માંજલપુરના ગુનામાં જામીન પર છૂટયા બાદ ફરાર થઇ ગયો હતો. રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ રિશિ અરોઠેને વડોદરા એસઓજીએ તેને ગોવા ખાતેથી ઝડપી લીધો હતો. રિશિ અરોઠેની  ભારત પાકિસ્તાનની વર્લ્ડ કપ મેચની ડૂપ્લિકેટ  ટિકિટોના કૌભાંડમાં પણ સંડોવણી  હોવાની વિગતો જાણવા મળી છે.

વડોદરાના પ્રતાપંગજ વિસ્તારમાં રોઝરી સ્કૂલ સામે જે-૧ ટાવરમાં રહેતા પૂર્વ ક્રિકેટર અને કોચ તુષાર અરોઠેના ફ્લેટમાંથી એસઓજીએ રોકડા રૃ.૧.૩૯ કરોડ કબજે લેતાં આ રકમ તેમના પુત્ર અને પૂર્વ રણજીટ્રોફી પ્લેયર રિશિ અરોઠેએ નાસિકના એચએમ આંગડિયામાંથી મોકલી હોવાની વિગતો ખૂલી હતી.જેથી પોલીસે રોકડ કબજે લઇ રિશિની પૂછપરછ કરી હતી.આ રકમ સાળંગપુર મંદિરને દાનમાં મળેલી હતી અને તે રકમ નાસિકના મંદિરમાં ટ્રાન્સફર કરવા માટે આંગડિયામાં મોકલવાને નામે રિશિએ  પોતે મેળવી લીધી હતી.

 રિશિ અરોઠે સામે માંજલપુર  પોલીસ સ્ટેશનમાં રૃ.૨૯.૭૫ લાખની તેમજ રાવપુરા પોલીસ સ્ટેશનમાં બોલિંગના કોચિંગના નામે રૃ.૫.૨૭ લાખ પડાવી લેવા બાબતે ફરિયાદ નોંધાઇ હતી.માંજલપુર  પોલીસે તેની ધરપકડ કરી હતી. રાવપુરા પોલીસ સ્ટેશનના ગુનામાં  તેને પકડવાનો બાકી હોવાછતાંય તે જામીન પર છૂટીને ફરાર થઇ ગયો હતો. શહેર પોલીસ તેને શોધી રહી હતી. દરમિયાન ટેકનિકલ સર્વેલન્સના આધારે એસ.ઓ.જી.ની ટીમે ગોવામાં ત્રણ દિવસથી ધામા નાંખ્યા હતા. છેવટે ગોવાના એક રેસ્ટોરન્ટમાંથી તેને ઝડપી લીધો હતો.  પોલીસની  પ્રાથમિક તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી હતી કે, રાજકોટમાં રમાયેલી ભારત - પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચની ડૂપ્લિકેટ ટિકિટો વેચાઇ હતી. તેમાં પણ રિશિ અરોઠેની સંડોવણી હોવાની શક્યતા છે. જે દિશામાં  પોલીસે વધુ તપાસ  હાથ ધરી છે.બાદ રિશિ ફરાર થઇ જતાં એસઓજીના પીઆઇ વી એસ પટેલ અને ટીમ સતત પાછળ લાગ્યા હતા.જે દરમિયાન ગોવાની એક હોટલ  બહાર તેનું લોકેશન મળતાં પોલીસે રિશિ તુષાર અરોઠે(હાલ રહે.કોનકોર્ન મેનહટ્ટન એપાર્ટમેન્ટ,નિલાદ્રીરોડ,બેંગ્લોર,કર્ણાટક)દબોચી લીધો હતો અને રાવપુરા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.


મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચના પુત્ર રિશિ અરોઠેની રાવપુરા પોલીસે ધરપકડ કરી 

 રિશિ અરોઠેએ કોચિંગના નામે પ્લેયર પાસેથી ૫.૨૭ લાખ પડાવી લીધા

વડોદરા,ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચના પુત્ર રિશિ અરોઠેએ  બોલિંગના કોચિંગ માટે ૫.૨૭ લાખ પડાવી લીધા હતા. જે અંગે રાવપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામે રહેતા મહેન્દ્રકુમાર શનિલાલ બૂટ ચંપલનો વેપાર કરે છે. રાવપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું  કે, મારા દીકરા તુષારને બોલિંગનું કોચિંગ આપવાના બહાને  રિશિ અરોઠેએ ૫.૨૭ લાખ પડાવી લીધા હતા.   રિશિ સર પાસે રૃપિયા પરત માંગતા તેમણે બોલાચાલી ઝઘડો કરી મારવાની ધમકી આપી હતી. રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનામાં રાવપુરા પોલીસે આજે રિશિ અરોઠેનો કબજો એસ.ઓ.જી.પાસેથી મેળવી  ધરપકડ કરી હતી. 


રિશિના ગોવાના ફ્લેટમાં પણ પોલીસે સર્ચ કર્યુ

 વડોદરા,વડોદરાથી ભાગી ગયા  પછી રિશિ અરોઠે સતત લોકેશન બદલતો હતો. તે ભાગીને બેંગલોર ગયો હતો. ત્યાંથી તે ઔરંગાબાદ, ઇન્દૌર અને પછી  ગોવા ગયો હતો. ગોવામાં તેણે આધાર કાર્ડના ગોવામાં ફ્લેટ ભાડે લીધો હતો. તે સતત તેના એક મિત્રના સંપર્કમાં રહેતો હોવાથી પોલીસને તેનું લોકેશન શોધવામાં તકલીફ પડી નહતી.ગોવા પોલીસને સાથે રાખીને તેના ઘરમાં સર્ચ કર્યુ હતું. પરંતુ, કોઇ વાંધાજનક વસ્તુ મળી આવી નથી.


Google NewsGoogle News