સાળંગપુર મંદિરના દાનના 2 કરોડ પડાવી લેનાર પૂર્વ ક્રિકેટર રિશિ અરોઠે જામીન પર છૂટી ઘેરથી બેગ લઇ રફુચક્કર
વડોદરાઃ સાળંગપુરના કષ્ટભંજન દેવના મહોત્સવ નિમિત્તે મળેલી દાનની રૃ.બે કરોડ જેટલી રકમ આંગડિયા મારફતે મોકલવાની જવાબદારી લીધા બાદ રકમ વગે કરનાર વડોદરાના પૂર્વ ક્રિકેટર રિશિ અરોઠેને શોધવા માટે પોલીસની ત્રણ ટીમો કામે લાગી છે.
વડોદરાના પ્રતાપગંજમાં રહેતા રિશિ અરોઠેને ત્યાંથી એસઓજીની ટીમે ૨૨ દિવસ પહેલાં દરોડો પાડી રૃ.૧.૩૯ કરોડની રોકડ કબજે કરી હતી.જેની તપાસ દરમિયાન રિશિએ આ રકમ નાસિકના એચએમ આંગડિયામાંથી મોકલી હોવાની વિગતો ખૂલી હતી.પોલીસ કમિશનરે આ અંગે તપાસ કરવા માટે સૂચના આપતાં એસઓજીના પીઆઇ વી એસ પટેલ અને ટીમે રિશિને ઝડપી પાડયો હતો.
રિશિએ આ રકમ ઇવેન્ટની હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું.પરંતુ ત્યારબાદ રિશિ સામે માંજલપુર અને રાવપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની વધુ બે ફરિયાદ નોંધાતા રાજસ્થાનના કોટા સ્થિત સ્વામિનારાયણ મંદિરના વહીવટકર્તાઓએ વડોદરા એસઓજીનો સંપર્ક કર્યો હતો.
એસઓજીએ રૃ.૧.૩૯ કરોડની રોકડના મુદ્દે વધુ તપાસ કરતાં આ રકમ રાજસ્થાનના કોટા સ્થિત સ્વામિનારાયણ મંદિર(વડતાલ)ના સત્સંગીઓ દ્વારા સાળંગપુર ખાતે યોજાયેલા શતામૃત મહોત્સવ નિમિત્તે એકઠી કરવામાં આવી હોવાની માહિતી મળી હતી.કોટા મંદિરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શશાંકભાઇ દ્વારા આ રકમ નાસિકના મંદિર માટે આંગડિયા મારફતે મોકલવા રિશિ અરોઠેને આપી હતી. જે રકમ રિશિએ નાસિકને બદલે વડોદરા તેને ઘેર મોકલી દીધી હતી.હજી આ રકમના રૃ.૬૦ લાખ હાથ લાગ્યા નથી.
દરમિયાનમાં રિશિ અરોઠેની માંજલપુર અને રાવપુરાના ગુનામાં ધરપકડ થયા બાદ જામીન પર છૂટકારો થયો હતો.કોટાના બનાવમાં તેની પૂછપરછ થાય તે પહેલાં રિશિ તેને ઘેરથી બેગ લઇને નીકળી ગયો હોવાની વિગતો મળતાં તેને શોધી કાઢવા એસઓજી સહિત ત્રણ ટીમો કામે લાગી છે.
રિશિ અરોઠેએ વલસાડના મિત્રને 6 મહિનામાં 3 કરોડ કમાવી આપવાનું કહીને 74.31 લાખ પડાવી લીધા
રિશિ અરોઠેએ વલસાડના મિત્રને પણ ઠગી લીધો હોવાનો બનાવ બનતાં તેની સામે વલસાડ રૃરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.જે ગુનામાં હજી તે વોન્ટેડ છે.
ઓઝર ગામે રહેતા પ્રિતેશ પટેલે નોંધાવેલી ફરિયાદમાં કહ્યું છે કે,ડિસેમ્બર-૨૦૨૨માં રિશિએ કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના નામે વાત કરી હતી.
રિશિએ મારી પાસે રૃ.૭૫.૯૦ લાખ લીધા હતા અને તેમાંથી રૃ.૧.૫૯ લાખ પરત આપ્યા હતા.આ ગુનામાં પોલીસ હજી રિશિને શોધી રહી હોવાની અને વડોદરા પોલીસના પણ સંપર્કમાં હોવાની માહિતી મળી છે.