Get The App

રિશિ અરોઠેએ ગોવામાં કેસિનો, બાર અને કેફેના પ્રોજેક્ટના બહાને ૨૯.૭૫ લાખ પડાવી લીધા

માર્કેટિંગની કંપની ચલાવતા દંપતીએ ૨૪.૭૫ લાખ ગુમાવતા કંપની બંધ કરવાનો વારો આવ્યો

Updated: Mar 5th, 2024


Google NewsGoogle News
રિશિ અરોઠેએ ગોવામાં કેસિનો, બાર અને કેફેના પ્રોજેક્ટના બહાને   ૨૯.૭૫ લાખ પડાવી લીધા 1 - image

 વડોદરા,ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચના પુત્રે કરેલી છેતરપિંડીના કારણે દંપતીને કંપની બંધ કરવાનો વારો આવ્યો હતો. દંપતીનેે ૭ લાખનું નુકસાન કરી તેમજ પ્રોજેક્ટના નામે લીધેલા ૨૯.૭૫ લાખ પડાવી લીધા હતા.માંજલપુર પોલીસે રિશિ અરોઠે, રૃતિકા પરમાર, નવરોહસિંહ તથા શ્રીનુ ઝા સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માંજલપુર પ્રમુખ પ્રસાદ ચોકડી પાસે ડ્રીમ લેન્ડ કોમ્પલેક્સમાં રહેતા ગૌરવ પ્રમોદભાઇ નાડકર માર્કેટિંગ એન્ડ માર્કેેટિંગ એન્ટરપ્રાઇઝીસ નામની કંપની ચલાવે છે. માંજલપુર  પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વર્ષ - ૨૦૧૯ માં રિશિ તુષારભાઇ અરોઠે ( રહે. જે - ૧, એપાર્ટમેન્ટ, પ્રતાપગંજ) મને મળ્યો હતો. તેણે મને કહ્યું હતું કે, મેં સાઉથ ગોવામાં૧.૧૦ લાખ સ્કવેર ફિટ જગ્યા લીધી છે. તેમાં મારે દશ હાજર સ્કવેર ફિટનો બંગલો અને બાકની જમીનમાં રેસ્ટોરન્ટ, કેફે, બાર અને કેસિનો બનાવવાના છે. જેનું નામ ધ રશ રાખવામાં આવ્યું છે. જેનું માર્કેેટિંગનું કામ  પણ તમને જ આપવાનું છે. હું તમારી કંપનીને પ્રોજેક્ટ આપવાનો છું. તેમાં મારી ગર્લફ્રેન્ડ રૃતિકા મુકેશભાઇ પરમાર ( રહે. પુષ્પક ટેનામેન્ટ, અવસર પાર્ટી પ્લોટની પાસે, સમા સાવલી રોડ) ડાયરેક્ટર તરીકે રહેશે. બંનેએ મને પ્રોજેક્ટની કોસ્ટ પાંચ થી દશ કરોડની જણાવી હતી. મેં આ  પ્રોજેક્ટ માટે એક શેફ સુધીર પાત્રાને હાયર કર્યો હતો. 

રિશિ અરોઠેએ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટની વાત કરતા મેં ૧.૩૫ લાખ રોકડા આપ્યા હતા. એક દિવસ રિશિએ મને ફોન કરીને કહ્યું હતું કે, તાંદલજા અમીન  પાર્કમાં રહેતા ઇરફાન ફઝલભાઇ જમાદારે મારા  પ્રોજેક્ટમાં   ઇન્વેસ્ટર તરીકે રોકાણ કર્યુ છે. જેના ચેક મેં  રૃતિકા પરમાર, નવરોહસિંહ, શ્રીનુ ઝા તથા મારા ખાતાના લીધા છે. ઇરફાન જ્યારે વડોદરા આવે ત્યારે તમારી ફર્મના ચેક આપજો.  ૧૬.૪૦ લાખના મારી પત્નીની સહીવાળા કુલ છ ચેક મારા મેનેજર મંગેશભાઇએ ઇરફાનને આપ્યા હતા. તેમજ ઓસ્ટ્રેલિયમાં રહેતા વિકાસ શેટ્ટીને બે લાખના ચેક આપ્યા હતા. શેફ સુધીર પાત્રાએ  પણ ત્રણ લાખ રિશિને આપ્યા હતા. રિશિએ દંપતી  પાસેથી ૨૪.૭૫ લાખ મળી  કુલ ૨૯.૭૫ લાખ પડાવી લીધા હતા.



તમે મારા  પિતાને જાણતા નથી, હવે હું પૈસા નહીં આપું 

 વડોદરા,ગૌરવે પોલીસને કહ્યું હતું કે, હું રિતિકા પરમારની ત્યાં ગયો ત્યારે તેણે મને કહ્યું કે, તમે મારા ઘરે આવ્યા એ બહુ મોટી ભૂલ કરી. હું તમારા પૈસાનો બંદોબસ્ત કરતી જ  હતી. તમે મારા  પિતાજીને જાણતા નથી. તમે ઘરે આવ્યા એટલે હવે હું તમને પૈસા નહીં આપુ. બીજી વખત અહીંયા આવશો તો કેસ કરી દઇશ.


 રિશિ અરોઠેને તેના માતા - પિતા સપોર્ટ કરતા હતા

વડોદરા,રૃપિયા ગુમાવનાર ગૌરવે વધુમાં જણાવ્યું હતું કે,  રિશિ અરોઠે પૈસા પરત આપવામાં વાયદા કરતો હતો. તેણે કોલ રિસિવ કરવાનું બંધ કરી દીધું હતું. તેના ઘરે  પણ તે મળતો નહતો. તેના પિતા તુષારભાઇએ કહ્યું હતું કે,આવું  બધું તે કરતો હોવાથી અમારે તેની સાથે કોઇ સંબંધ નથી. પરંતુ, રિશિને તેના માતા - પિતા સપોર્ટ કરતા હતા.


Google NewsGoogle News