રિક્ષા ચાલકોએ સિટિ બસ રોકી ચક્કાજામ કરતા અફરાતફરી
પોલીસે લાલ આંખ કરતા છેવટે રિક્ષા ચાલકોએ માફી પત્ર લખી આપ્યું
વડોદરા, ટ્રાફિક નિયમનો ભંગ કરનાર રિક્ષા ચાલકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેના કારણે નારાજ રિક્ષા ચાલકોએ સયાજીગંજ ટ્રાફિક ઓફિસ નજીક વાહનો રોકી ચક્કાજામ કર્યો હતો. જેના પગલે પોલીસ દોડી આવી હતી. પોલીસે લાલ આંખ કરતા છેવટે રિક્ષા ચાલકોએ માફી માંગતા મામલો થાળે પડયો હતો.
શહેરમાં દોડતી કેટલીક રિક્ષાના ચાલકો દ્વારા ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને સામાન્ય નાગરિકોનો જીવ જોખમમાં મૂકવામાં આવતા હોય છે. જેના કારણે ટ્રાફિક પોલીસ દ્વારા બે દિવસથી સ્પેશ્યલ ડ્રાઇવ રાખવામાં આવી હતી. બે દિવસમાં પોલીસે ટ્રાફિક નિયમનો ભંગ કરતી ૩૭ રિક્ષાઓ કબજે કરવામાં આવી હતી. જેના કારણે નારાજ થયેલા રિક્ષા ચાલકો આજે સયાજીગંજ સ્થિત ટ્રાફિકની ઓફિસે ધસી ગયા હતા. તેમણે રોડ પરથી જતી એક સિટિ બસને રોકી દીધી હતી. જેના કારણે ચક્કાજામ સર્જાયો હતો. બનાવના પગલે સયાજીગંજ પોલીસ અને ટ્રાફિક પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. રિક્ષા ચાલકોને રોડ પરથી હટાવીને ટ્રાફિક પૂર્વવત્ કર્યો હતો. પોલીસે રિક્ષા ચાલકો સામે ગુનો દાખલ કરવાની તૈયારી કરતા રિક્ષા ચાલક યુનિયનના આગેવાનો દોડી આવ્યા હતા. છેવટે ટ્રાફિક જામ કરનાર રિક્ષા ચાલકોએ માફી પત્ર લખી આપતા મામલો થાળે પડયો હતો.