સ્કૂલ રિક્ષાચાલકના ૧૦ વર્ષની બાળકી સાથે અડપલાં
બાળકીની એકલતાનો લાભ લઇ શારીરિક છેડછાડ કરતા રિક્ષાચાલક સાદ્દીક ઘાંચીની ધરપકડ
વડોદરા, તા.8 શહેરના દક્ષિણ વિસ્તારમાં ૧૦ વર્ષની બાળકીને શાળામાં લઇ જવા અને પરત ઘેર લાવવા માટે રાખેલી રિક્ષાના ચાલક દ્વારા બાળકી સાથે વારંવાર શારીરિક અડપલા કરતા રિક્ષાચાલક સાદ્દીક ઘાંચીને પોલીસે ઝડપી પાડયો હતો.
માંજલપુર પોલીસ સ્ટેશનમાં બાળકીના વાલીએ નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે મારી ૧૦ વર્ષની પુત્રીને શાળામાં લઇ જવા અને ઘેર પરત લાવવા માટે પ્રાઇવેટ રિક્ષા બાંધી હતી. રિક્ષાચાલક સાદ્દીક લાલાભાઇ ઘાંચી (રહે.વડસર) બાળકીને ત્રણ વર્ષથી એકલો જ રિક્ષામાં લઇ જતો હતો અને સ્કૂલેથી પરત ઘેર લાવતો હતો. દરમિયાન ઓક્ટોબર માસથી આજદિન સુધી સાદ્દીક રિક્ષામાં બાળકીને અડપલા કરતો હતો. બાળકીનો હાથ પકડી જબરજસ્તી ખોળામાં બેસાડતો હતો. મારી દીકરી ના પાડે તો સાથળના ભાગે મારી ધમકી આપતો હતો.
રિક્ષાચાલકનો ત્રાસ વધી જતાં બાળકી પણ રડતી હતી આ અંગે આખરે બાળકીએ પોતાના પર બનેલી બીના કહેતાં આખરે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી જેના આધારે પોલીસે રિક્ષાચાલક સાદ્દીક ઘાંચીને ઝડપી પાડી કસ્ટડીમાં મોકલી દીધો હતો.