મહિલા પોલીસના નિવૃત્ત એએસઆઇ હનુમાન મંદિરે ભીખ માંગતા મળ્યા
નિવૃત્ત એએસઆઇ નિરુબેન છેલ્લા છ મહિનાથી ભીખ માંગીને , રેલવે સ્ટેશન પર ઊંઘતા હતાં ઃ શી ટીમે સારવાર કરાવી નારી સંરક્ષણ ગૃહમાં આશરો અપાવ્યો
વડોદરા, તા.25 મહિલા પોલીસ સ્ટેશનમાં ગૃહક્લેશના પ્રશ્નોની આવતી અનેક ફરિયાદોનું નિરાકરણ કરનાર અને વર્ષ-૨૦૨૦માં નિવૃત્ત થયેલ મહિલા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સયાજી હોસ્પિટલ સામે પંચમુખી હનુમાન મંદિરની બહાર ભીખ માંગતા અન્ય ભીખારીઓની વચ્ચે મળતાં જ પોલીસ ચોંકી ગઇ હતી.
આ અંગેની વિગત એવી છે કે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પંચમુખી હનુમાન મંદિરે નિત્યક્રમ મુજબ દર્શન માટે ગયા હતા ત્યારે તેમણે જાણ થઇ કે ભીખારીઓની વચ્ચે બેસેલી એક મહિલા નિવૃત્ત એએસઆઇ છે અને તે જિલ્લાના મહિલા પોલીસમાં ફરજ બજાવતી હતી. પોલીસ કમિશનરે તુરંત જ ડીએસપી રોહન આનંદને માનવીય ધોરણે કામગીરી કરવા જણાવ્યું હતું જેના પગલે ડીએસપીએ જિલ્લાની શી ટીમને તે મહિલાને શોધી કાઢવા કહ્યું હતું. ભીખારીઓની વચ્ચે બેઠેલી મહિલા કુબેરભવનમાં મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી નિરુબેન ડાહ્યાભાઇ પરમાર અને તેઓ તા.૩૧ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ નિવૃત્ત થઇ ગયા છે તેમ જાણવા મળ્યું હતું.
દરમિયાન શી ટીમ દ્વારા હનુમાન મંદિરે તેમજ સયાજી હોસ્પિટલ અને વિવિધ સંસ્થાઓંમાં તપાસ હાથ ધર્યા બાદ નિરૃબેનનો રેલવે સ્ટેશન પર પત્તો મળતાં શી ટીમ તેમને મહિલા પોલીસમાં લઇ આવી હતી. પોલીસે તેમની પ્રાથમિક પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે છેલ્લા છ મહિનાથી તેઓ ભટકતું જીવન વિતાવે છે તેમજ રેલવે સ્ટેશન પર જઇને ઊંઘી જાય છે. તેમના લગ્ન સાવલી તાલુકાના ગોઠડા ગામમાં રહેતા ડાહ્યાભાઇ પરમાર સાથે થયા હતાં અને હાલ તેમના પતિ પણ હયાત છે તેમજ તેમને કોઇ સંતાન નથી. પતિ છૂટક કામ કરતાં હોવાથી તેઓ ક્યાં છે તેની જાણ નિરુબેનને ન હતી. દરમિયાન શી ટીમે નિરુબેનના ભાઇ અને ભાભીને બોલાવ્યા હતા પરંતુ નિરૃબેને પરિવાર સાથે જવા ના પાડી હતી.
નિરૃબેનને મારુ પેન્શન કોઇએ અટકાવ્યું છે, મારા પતિ સારી રીતે રાખતા નથી તેવો સતત ભ્રમ રહેતો હતો. તેમની આ બીમારી દૂર કરવા માટે સયાજી હોસ્પિટલના વન સ્ટોપ સેન્ટરમાં પોલીસે સારવાર કરાવી હતી. તેમની તબિયત સારી થઇ જતાં હાલ નારી સંરક્ષણ ગૃહમાં કલેક્ટરની ભલામણથી આશરો આપવામાં આવ્યો છે. પોલીસ દ્વારા તેમના પેન્શન અંગે તપાસ કરતાં પેન્શનના પ્રાથમિક કાગળો થયા છે પરંતુ પેન્શન ચાલુ ના થતાં પોલીસ દ્વારા નિરૃબેનનું પેન્શન ચાલુ થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જ્યારે તેમના બેંક બેલેન્સની તપાસ કરતાં એકાઉન્ટમાં પણ મોટી રકમ જમા હોવાનું જાણવા મળ્યું હતું.