Get The App

છૂટક અનાજના વેચાણ ઉપર પણ જીએસટી લાગુ કરતા વેપારીઓમાં રોષ: જથ્થાબંધ બજાર બંધ

Updated: Jul 16th, 2022


Google NewsGoogle News
છૂટક અનાજના વેચાણ ઉપર પણ જીએસટી લાગુ કરતા વેપારીઓમાં રોષ: જથ્થાબંધ બજાર બંધ 1 - image

વડોદરા,તા.16 જુલાઈ 2022,શનિવાર

કેન્દ્ર સરકારે છૂટક અનાજ પર 5 ટકા જીએસટી લાગુ કરતા વેપારીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. જેના વિરોધમાં ઓલ ઇન્ડિયા અનાજ મંડળે શનિવારે વેપાર-ધંધા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેના પગલે આજે હાથીખાના અનાજ બજાર બંધ રાખવાનો વેપારીઓએ નિર્ણય લીધો હતો. જો કેન્દ્ર સરકાર GST પાછો નહીં ખેંચે તો આંદોલન ઉગ્ર કરવામાં આવશે. 

કેન્દ્ર સરકારે અનબ્રાન્ડેડ પેકેજડ ખાદ્યચીજોમાં પણ પાંચ ટકા જીએસટી લાદયો છે અને સોમવારથી તેનો અમલ શરૂ થવાનો છે તે પુર્વે વેપારીઓ જંગે ચડયા છે. અનાજ, કઠોળ, સ્ટેશનરી સહિત કરજાળમાં આવી રહેલા વેપારીઓ દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. વડોદરા માર્કેટયાર્ડ તથા અનાજ-કઠોળ વગેરે વેપારીઓ બંધમાં જોડાયા છે.દેશભરના 7300 માર્કેટયાર્ડ, 13000 દાળમીલો, 9600 ચોખામીલ, 8000 આટામીલ તથા 3 કરોડ જેટલા અનાજ-કઠોળ તથા અન્ય ચીજોના નાના વેપારીઓ હડતાળમાં જોડાવાના હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે એસોસિએશનના પ્રમુખ નિમેષ મહેતાએ  કહ્યું હતું કે, તમામ વેપારધંધાને જીએસટી અસરકર્તા નથી એટલે વેપારી મહામંડળ સમર્થન આપી ન શકે છતાં કરજાળમાં આવતા વેપારીઓ વ્યક્તિગત સંગઠનના ધોરણે નિર્ણય લઈ શકે છે. વેપારીઓના કહેવા પ્રમાણે સોમવારથી કરજાળમાં આવતી ચીજો સીધી જ પાંચ ટકા મોંઘી થઈ જશે. ગ્રાહકો પર નાણાંકીય બોજો વધશે જયારે વેપારીઓને જીએસટી રીટર્ન ભરવા સહિતની ઝંઝટનો સામનો કરવો પડશે. તમામે તમામ વર્ગના લોકોને માથે બોજ પડવાનો છે તે સામે વિરોધ દર્શાવવા બંધનું એલાન અપાયુ છે.


Google NewsGoogle News