બરોડા અને ગોત્રી મેડિકલ કોલેજના ૩૦ વિદ્યાર્થીઓના પરિણામ અટકાવાયા
વડોદરાઃ બરોડા મેડિકલ કોલેજ અને ગોત્રી મેડિકલ કોલેજના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ પૈકી ૩૦ વિદ્યાર્થીઓ ઉત્તરવહીઓ પર નંબર લખવાનુ ભૂલી ગયા હોવાથી તેમના પરિણામ જાહેર થયા નહીં હોવાની વિગતો સપાટી પર આવી છે.
મળતી વિગતો પ્રમાણે બરોડા મેડિકલ કોલેજ અને ગોત્રી મેડિકલ કોલેજના એમબીબીએસના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓના ૫૩૦ જેટલા વિદ્યાર્થીઓના પરિણામ તાજેતરમાં જ જાહેર થયા હતા.આ પૈકીના ૩૦ જેટલા વિદ્યાર્થીઓના પરિણામ અટકાવવામાં આવ્યા હતા.આ વિદ્યાર્થીઓ કોઈને કોઈ વિષયની ઉત્તરવહી પર પોતાના બેઠક નંબર લખવાનુ ભૂલી ગયા હોવાથી તેમના પરિણામ જાહેર નહીં થયા હોવાની જાણકારી બહાર આવી હતી.
બીજી તરફ ઉપરોકત વિદ્યાર્થીઓ ઈન્ટર્નશિપ પણ ના કરી શકે તેવી સ્થિતિ હતી.જેના પગલે આ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ એમ.એસ.યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં રજૂઆત કરી હતી.જેના પગલે વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ મંગાવીને ચેક કરવામાં આવી હતી.જેમાં જે વિષયમાં વિદ્યાર્થીઓ નંબર લખવાનુ ભૂલી ગયા હતા તે વિષયની ઉત્તરવહીના અક્ષર વિદ્યાર્થીઓની અન્ય ઉત્તરવહીઓ સાથે સરખાવવામાં આવ્યા હતા.
સૂત્રોનુ કહેવુ છે કે, પરીક્ષા વિભાગે ખાતરી કર્યા બાદ હવે પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા લગભગ પૂરી કરી દેવામાં આવી છે.આ વિદ્યાર્થીઓના પરિણામ એક કે દિવસમાં જાહેર કરી દેવામાં આવશે.પરિણા જાહેર થતાની સાથે આ વિદ્યાર્થીઓ પોતાની ઈન્ટર્નશિપ પણ શરુ કરી શકશે.પરિણામ જાહેર કરવાની કાર્યવાહી શરુ થતાની સાથે જ વિદ્યાર્થીઓ અને વાલીઓએ પણ રાહત અનુભવી છે.