યુનિ.માં નવી શિક્ષણ નીતિ લાગુ થયા બાદ વિદ્યાર્થીઓના પરિણામમાં વધારો

Updated: May 5th, 2024


Google NewsGoogle News
યુનિ.માં નવી શિક્ષણ નીતિ લાગુ થયા બાદ  વિદ્યાર્થીઓના પરિણામમાં વધારો 1 - image

વડોદરાઃ ૨૦૨૩-૨૪ના વર્ષમાં નવી શિક્ષણ નીતિ લાગુ થયા બાદ તાજેતરમાં જ એમ.એસ.યુનિવર્સિટીમાં એફવાયના પહેલા સેમેસ્ટરની પરીક્ષાઓના પરિણામ  જાહેર થયા છે અને મોટાભાગની ફેકલ્ટીઓના  એફવાયના  રિઝલ્ટની ટકાવારીમાં ૨૦૨૩-૨૪ના વર્ષ કરતા વધારે જોવા મળ્યો છે અને અધ્યાપકો તેના માટે નવી શિક્ષણ નીતિના કારણે પરીક્ષા લેવાની પધ્ધતિમાં અને શૈક્ષણિક માળખાઓમાં થયેલા ફેરફારો જવાબદાર હોવાનુ કહી રહ્યા છે.

એમ.એસ.યુનિવર્સિટીમાં નવી શિક્ષણ નીતિના અમલમાં વિલંબ થયો હોવાથી અને એ પછી પહેલા સેમેસ્ટરની એક્સટર્નલ પરીક્ષાના પરિણામ જાહેર કરવામાં પણ વિલંબ થયો હતો.તાજેતરમાં જ કોમર્સ સહિતની વિવિધ ફેકલ્ટીઓના પહેલા સેમેસ્ટરના પરિણામ જાહેર કરાયા છે.ગત વર્ષેના એફવાયના પરિણામ કરતા મોટાભાગની ફેકલ્ટીઓના રિઝલ્ટમાં સરેરાશ ૧૦ થી ૧૫ ટકાનો વધારો જોવા મળ્યો છે.જેમ કે એફવાયબીકોમનુ પરિણામ ૭૮  ટકા જેટલુ આવ્યુ છે.જે ગત વર્ષના એફવાયના પરિણામ કરતા ૧૪ ટકા વધારે છે.આ જ રીતે આર્ટસ ફેકલ્ટીના પરિણામમાં ૧૧ ટકાનો વધારો જોવા મળ્યો છે.અન્ય એક મોટી સાયન્સ ફેકલ્ટીનુ પરિણામ જાહેર થવાનુ બાકી છે અને તેનુ પરિણામ પણ ગત વર્ષ કરતા વધારે આવે તેવો અંદાજ છે.જર્નાલિઝમ ફેકલ્ટીના પહેલા સેમેસ્ટરના પરિણામમાં ૧૦ ટકાનો વધારો થયો છે.યુનિવર્સિટીમાં જોકે હજી બીજી સેમેસ્ટરની એક્સટર્નલ પરીક્ષા લેવાની બાકી છે.

ઘણા ખરા અધ્યાપકોનુ માનવુ છે કે,નવી શિક્ષણ નીતિમાં એસાઈનમેન્ટ, ઈન્ટરનલ પરીક્ષાના માર્કમાં વધારો, હાજરીના માર્કસ, સરળ વૈકલ્પિક વિષયો  કારણે  વિદ્યાર્થીઓ માટે પાસ થવુ અગાઉની સરખામણીમાં આસાન બન્યુ છે અને ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓનુ પરિણામ અગાઉની શિક્ષણ પધ્ધતિ પ્રમાણે લેવાયેલી પરીક્ષાના પરિણામ કરતા વધારે આવે તેવુ શક્ય છે.

ઉલ્લેખનીય છે કે, ૨૦૨૪-૨૫ના વર્ષમાં  વિવિધ  ફેકલ્ટીઓમાં એસવાયના વિદ્યાર્થીઓ માટે નવી શિક્ષણ પધ્ધતિ લાગુ થશે.આમ નવા વર્ષમાં નવી શિક્ષણ નીતિ પ્રમાણે અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા બમણી થઈ જશે.

ઈન્ટરનલના વધી ગયેલા માર્કસથી ફાયદો 

કોમર્સના ડીન પ્રો.કેતન ઉપાધ્યાયે કહ્યુ હતુ કે, હવે ઈન્ટરનલ પરીક્ષાનુ વેઈટેજ વધીને ૫૦ માર્ક થયુ છે.વિદ્યાર્થીઓ પહેલા બે યુનિટ માટે આ પરીક્ષા આપે છે અને એ પછી ફરી એક્સટર્નલ પરીક્ષામાં પણ આ બે યુનિટના પ્રશ્નો પૂછાતા હોય છે.આમ ઈન્ટરનલમાં વધી ગયેલા માર્કસથી પણ વિદ્યાર્થીઓને ફાયદો થયો છે.

વૈકલ્પિક વિષયોમાં પાસ થવું સરળ છે

આર્ટસના વરિષ્ઠ અધ્યાપક પ્રો.અમિત ધોળકીયાનુ માનવુ છે કે, ઈન્ડિયન નોલેજ સિસ્ટમ, સ્કિલ ડેવલમેન્ટ અને વેલ્યૂ એડેડ કોર્સની કેટેગરીમાં વિદ્યાર્થીઓને ઓફર કરતા વિષયો પ્રમાણમાં ઘણા સરળ છે અને તેના કારણે પણ વિદ્યાર્થીઓનુ પરિણામ વધ્યુ હોઈ શકે છે.ઓબ્જેક્ટિવ પ્રશ્નોનુ પ્રમાણ વધ્યુ છે.ઈન્ટરનલ પરીક્ષા ૫૦ માર્કની થતા એન્ડ સેમેસ્ટર પરીક્ષામાં વધારે માર્કસ લાવવાની જરુર નથી રહી

બે ઈન્ટરનલ પરીક્ષાના કારણે તૈયારી આસાન બની 

સાયન્સના ડીન પ્રો.કટારિયાએ કહ્યુ હતુ કે, સાયન્સ ફેકલ્ટીમાં નવી શિક્ષણ નીતિ પ્રમાણે બે ઈન્ટરનલ પરીક્ષા લેવાય છે.આમ વિદ્યાર્થીઓ માટે તૈયારી કરવી સરળ છે.હાજરીના માર્કસ અપાઈ રહ્યા છે.કેટલાક વિભાગોમાં પ્રેક્ટિકલ શિક્ષણ પણ સામેલ કરાયુ છે.હજી એફવાયબીએસસીનુ પરિણામ જાહેર થયુ નથી પણ આ પરિણામ ગત વર્ષ કરતા વધારે હોય તો નવાઈ નહીં.

નવી શિક્ષણ નીતિમાં પ્રેક્ટિકલ વર્કના પણ માર્ક  મળતા થયા 

એજ્યુકેશન સાયકોલોજી  ફેકલ્ટીના ડીન પ્રો.આશુતોષ બિસ્વાલનુ કહેવુ છે કે, નવી શિક્ષણ નીતિ વિદ્યાર્થી કેન્દ્રીત છે.વિદ્યાર્થીઓને હવે એસાઈનમેન્ટ, ગુ્રપ વર્ક, પ્રેક્ટિકલના  માર્ક મળતા થયા છે.જેમ કે સાયકોલોજીમાં હવે નવી શિક્ષણ નીતિના ભાગરુપે એફવાયના વિદ્યાર્થીઓને ઈન્ટર્નશિપ  કરવાની હોય છે અને તેના તેમને માર્ક મળે છે.

એફવાયના પરિણામની ટકાવારી

પરિણામ ગત વર્ષ  હાલનુ વર્ષ

એફવાયબીએ ૪૦.૫૧ ૫૧.૮૨

એફવાયબીકોમ ૬૪.૧૧ ૭૮.૧૯

બીબીએ ૭૨.૧૫ ૯૩.૫૩

જર્નાલિઝમ ૮૦ ૯૦

બીએડ ૬૪.૧૧ ૭૮.૧૯

હોમસાયન્સ ૮૯.૧૫ ૮૭.૧૮

હિન્દુ સ્ટડીઝ ૬૨.૫૦ ૬૯.૨૩

ફેશન ટેકનોલોજી ૯૫ ૯૮.૪૮




Google NewsGoogle News