વિવિધ ફેકલ્ટીઓના પહેલા વર્ષના હજારો વિદ્યાર્થીઓના રિઝલ્ટ અટવાયા
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં એફવાયની એન્ડ સેમેસ્ટર પરીક્ષાના પરિણામ અગાઉની ઈન્ટરનલ પરીક્ષામાં ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓના કારણે જાહેર નહીં થઈ રહ્યા હોવાની જાણકારી સામે આવી છે.
મળતી વિગતો પ્રમાણે અત્યારે યુનિવર્સિટીમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ઈવન સેમેસ્ટરના વિદ્યાર્થીઓની ફાઈનલ પરીક્ષા ચાલી રહી છે પણ કોમર્સ, સાયન્સ, આર્ટસ , હોમસાયન્સ જેવી મોટી ફેકલ્ટીઓમાં પહેલા વર્ષના પહેલા સેમેસ્ટરની બે મહિના કે તેના પહેલા લેવાયેલી પરીક્ષાના પરિણામ પણ હજી સુધી જાહેર નથી થયા.
સૂત્રોનુ કહેવુ છે કે, નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે ઈન્ટરનલ પરીક્ષામાં જે વિદ્યાર્થી ગેરહાજર હોય તેવા વિદ્યાર્થીઓ એન્ડ સેમેસ્ટર પરીક્ષા આપી શકે નહીં.ઈન્ટરનલ પરીક્ષા નહીં આપનારા વિદ્યાર્થીઓને તેમના પરિણામમાં ગેરહાજર દર્શાવાયા છે અને એન્ડ સેમેસ્ટર પરીક્ષાનુ પરિણામ જાહેર કરતા પહેલા યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ આગ્રહ રાખી રહ્યો છે કે, પરિણામમાં ગેરહાજરની જગ્યાએ નવી શિણ નીતિ પ્રમાણે ઝીરો માર્કસ દર્શાવવામાં આવે.બીજી તરફ ફેકલ્ટીઓ આ આદેશનુ પાલન કરતા પહેલા લેખિત ઓર્ડરનો આગ્રહ રાખી રહી છે.
આમ ગણતરીના વિદ્યાર્થીઓના કારણે હજારો વિદ્યાર્થીઓના પરિણામ અટકયા છે.ઈન્ટરનલમાં ગેરહાજર વિદ્યાર્થીઓના એન્ડ સેમેસ્ટર પરીક્ષાના પરિણામ જાહેર નહીં કરીને બાકીના વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવામાં યુનિવર્સિટીને ટેકનિકલ સમસ્યા નડી રહી છે તેવુ પણ સૂત્રોનુ કહેવુ છે.આમ વિવિધ ફેકલ્ટીઓમાં એફવાયના વિદ્યાર્થીઓના પરિણામો તૈયાર થઈ ગયા પછી પણ જાહેર કરવામાં વિલંબ થઈ રહ્યો છે.