પરીક્ષાના ૧૦૦ દિવસ પછી પણ પરિણામ જાહેર નહીં થતાં વિદ્યાર્થીઓનો મોરચો
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની પોલીટેકનિકમાં પણ પરિણામોમાં થઈ રહેલા વિલંબના કારણે વિદ્યાર્થીઓનો અસંતોષ સપાટી પર આવ્યો છે.
પોલીટેકનિકમાં છેલ્લા કેટલાક સમયથી કોલેજના વહિવટને લઈને એક પછી એક ફરિયાદો ઉભી થવા માંડી છે.
આજે વિદ્યાર્થી વિકાસ સંઘ દ્વારા પરિણોમાં વિલંબના પગલે પોલીટેકનિક ખાતે રજૂઆત કરવામાં આવી હતી.મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોલીટેકનિક ખાતે પહોંચ્યા હતા.સંગઠનનુ કહેવુ છે કે, પોલીટેકનિકના પાંચમા અને છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષા અનુક્રમે ઓક્ટોબર મહિનામાં અને નવેમ્બર મહિનામાં લેવાઈ હતી.આ પરીક્ષાને ૧૦૦ દિવસ થઈ ગયા હોવા છતા તેના પરિણામ હજી જાહેર થયા નથી.પોલીટેકનિકના ઈતિહાસમાં ક્યારેય પરિણામો જાહેર કરવામાં આટલો વિલંબ થયો નથી.રિઝલ્ટ જાહેર નહીં થયા હોવાથી ફાઈનલ યરના આ વિદ્યાર્થીઓ કોઈ જગ્યાએ નોકરી માટે પણ અરજી કરી શકે તેવી સ્થિતિમાં નથી.આ પરિણામો તાત્કાલિક જાહેર કરવામાં આવે.દરમિયાન વિદ્યાર્થીઓએ ઈન્ચાર્જ પ્રિન્સિપાલ હાજર નહીં હોવાથી તેમની ઓફિસની બહાર તેમજ તેમની કાર પર આવેદનપત્ર ચોંટાડયુ હતુ.વિદ્યાર્થીઓએ કોલેજ ખાતે રામધૂન પણ બોલાવી હતી.વિદ્યાર્થીઓએ ભારે રાહ જોયા પછી પણ ઈન્ચાર્જ પ્રિન્સિપાલ પ્રો.ધનેશ પટેલ પોલીટેકનિક ખાતે પહોંચી નહીં શકતા વિદ્યાર્થીઓએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.