Get The App

માંડવી ખાતેના ૨૧૫ વર્ષ જૂના ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિરનો જિર્ણોધ્ધાર કરાશે

Updated: Jul 17th, 2024


Google NewsGoogle News
માંડવી ખાતેના ૨૧૫ વર્ષ જૂના ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિરનો જિર્ણોધ્ધાર કરાશે 1 - image

વડોદરાઃ વડોદરા શહેરના માંડવી ખાતે આવેલુ ભગવાન વિઠ્ઠલનાથજીનુ મંદિર શહેરના સૌથી પોરાણિક મંદિરો પૈકીનુ એક ગણાય છે.૨૧૫ વર્ષ પહેલા રાજવી પરિવારના રાણી ગહેનાબાઈએ ૨૫૦૦૦ રુપિયાના ખર્ચે બનાવેલા મંદિરનો હવે જિર્ણોધ્ધાર થવા જઈ રહ્યો છે.મંદિરનુ સંચાલન કરતા દેવસ્થાન ટ્રસ્ટ દેવ દિવાળી બાદ જિર્ણોધ્ધારની કામગીરી શરુ કરાવે તેવી શક્યતા છે.આ માટેનુ ખાત મુહૂર્ત ૧૧ માર્ચના રોજ મહારાજા સયાજીરાવની જન્મ જયંતિના દિવસે અત્યારના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડના હસ્તે કરાયુ હતુ.

૨૧૫ વર્ષ પહેલા સંવત ૧૮૬૬માં  લગભગ ૨૪૦૦૦ સ્કેવરફૂટ વિસ્તારમાં બનાવાયેલા મંદિરમાં નાગર શૈલી સહિતની વિવિધ સ્થાપત્ય શૈલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.ંંમદિર માટેની જગ્યા જે તે સમયે કંદોઈ સમાજના લોકો પાસેથી ખરીદવામાં આવી હતી.મંદિરમાં સ્થપાયેલી ભગવાનની મૂર્તિ મહારાષ્ટ્રના પંઢરપુર પાસેના ગામમાંથી મંગાવવામાં આવી હતી. મંદિરના મુખ્ય પૂજારી હરિઓમભાઈ વ્યાસ કહે છે કે, જે તે સમયે ગહેનાબાઈ મહારાણીએ પોતાના દાગીના વેચીને મંદિરનુ નિર્માણ કરાવ્યુ હતુ.મંદિરના જિર્ણોધ્ધારના ભાગરુપે પહેલા ગર્ભગૃહનુ, બાદમાં ભકતો ભગવાનના દર્શન કરવા બેસે છે તે સભાગૃહનુ , એ પછી મંદિરના સ્ટ્રોંગરુમનુ અને પૂજારીના નિવાસનુ રિસ્ટોરેશન કરવાની યોજના છે.ગર્ભગૃહની છતમાં લાકડાનો તેમજ દીવાલોમાં લાકડા અને સાગોળનો ઉપયોગ કરાયો છે.મંદિરનુ ફ્લોરિંગ આરસના પથ્થરોનુ છે.જેની મજબૂતાઈની ચકાસણી કરાશે અને એ પછી રિસ્ટોરેશન કેવી રીતે નિર્ણય લેવાશે.ગર્ભગૃહના રિસ્ટોરેશન સમયે ભગવાનની મૂર્તિનુ સ્થાન નહીં બદલવામાં આવે.જરુર પડે ગર્ભગૃહનુ ફ્લોરિંગ બદલાશે.સભાગૃહમાં પણ લાકડાનો મોટા પાયે ઉપયોગ થયો છે.તેને ફરી પોલીશ કરવામાં આવશે.સભાગૃહની છત એ જ રાખવી કે બદલવી તેનો નિર્ણય ફિટનેસની ચકાસણી બાદ લેવાશે.મંદિરના ભીંતચિત્રોને પણ પહેલા હતા તેવા કરવાનો પ્રયાસ કરાશે.આ રીતે મંદિરના તમામ હિસ્સામાં જરુર પડે ત્યાં સમારકામ હાથ ધરાશે.તેમનુ કહેવુ છે કે, અત્યારે ચોમાસુ આવી ગયુ છે અને આગામી દિવસોમાં તહેવારોની હારમાળા આવશે.જેના કારણે રિસ્ટોરેશનની કામગીરી દેવ દિવાળી પછી શરુ થશે.મહારાજા સમરજીતસિંહ પોતે પણ આ મંદિરનો જિર્ણોધ્ધાર કરવા માટે આતુર છે.હેરિટેજ ઈમારતોના રિસ્ટોરેશન કરવા માટે જાણીતી એજન્સીઓને આ કામમાં સામેલ કરાશે.

મંદિરના બગીચામાં ભગવાનની સેવામાં કામ લાગે તેવા વૃક્ષો 

ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિરની વચ્ચે એક નાનકડો બગીચો છે.આ બગીચાની ખાસિયત એ છે કે, ભગવાનની સેવામાં ઉપયોગમાં લેવાતી સામગ્રી જેમાંથી મળે તે વૃક્ષો અહીંયા ઉગાડવામાં આવ્યા છે.જેમાં નાગચંપો, કદમ, બોરસલી, પારિજાતક, મોગરો, ગુલાબ, ચંદન, બિલિ વૃક્ષનો સમાવેશ થાય છે.આ બગીચો અકબંધ રહેવા દેવાશે.

૨૧૫ વર્ષથી એક જ પરિવાર ભગવાનની સેવા-પૂજા કરે છે 

મંદિર સ્થપાયુ ત્યારથી એક જ પરિવાર ભગવાનની સેવા પૂજા કરતો આવ્યો છે.મંદિરના પહેલા પૂજારી ગોકળદાસ વ્યાસ હતા.અત્યારના પૂજારી હરિઓમભાઈ વ્યાસ તેમની સાતમી પેઢીનુ પ્રતિનિધિત્વ કરે છે.તેઓ કહે છે કે, મહારાણી ગહેનાબાઈએ મંદિરની સ્થાપના કરી ત્યારે ભગવાનની સેવા કરવાનો અધિકાર અમારા પરિવારને સોંપ્યો હતો.

માંડવી ખાતેના ૨૧૫ વર્ષ જૂના ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિરનો જિર્ણોધ્ધાર કરાશે 2 - imageચાર દરવાજા વિસ્તારમાં ત્રણ ઐતિહાસિક મંદિરો

શહેરના ચાર દરવાજામાં ત્રણ પૌરાણિક અને ઐતિહાસિક મંદિરો છે.તેમાં નરસિંહજીની પોળમાં આવેલુ ભગવાન નરસિંહજીનુ મંદિર લગભગ ૨૮૭ વર્ષ જૂનુ છે.આ જ રીતે ચાર દરવાજા વિસ્તારનુ ભગવાન ગોરધનનાથજીનુ મંદિર લગભગ ૨૫૦ વર્ષ જૂનુ છે અને ભગવાન વિઠ્ઠલનાથજીનુ મંદિર ૨૧૫ વર્ષ જૂનુ છું.



Google NewsGoogle News