પાવાગઢમાં જૈન તીર્થંકરોની મૂર્તિઓની પુનઃસ્થાપના : અજાણ્યા વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ

500 વર્ષથી સ્થાપિત મૂર્તિઓને હટાવી દેવામાં આવતા વિવાદ થયો હતો

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
પાવાગઢમાં જૈન તીર્થંકરોની મૂર્તિઓની પુનઃસ્થાપના : અજાણ્યા વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ 1 - image


હાલોલ : સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર શક્તિપીઠ મહાકાળી મંદિર સુધી જતી જૂની સીડીઓ તોડવાની કામગીરી દરમિયાન સીડીની બન્ને બાજુ દીવાલમાં ગોખલાઓમાં સ્થાપિત જૈન તીર્થંકરોની મૂર્તિઓને હટાવીને ઢગલો કરી દેવામાં આવતા રવિવારે ભારે વિવાદ થયો હતો. આ મામલે આજે વહીવટી તંત્ર, મહાકાળી મંદિર ટ્રસ્ટ અને જૈન સમાજના અગ્રણીઓની બેઠક મળી હતી અનેે મૂર્તિઓની  પુનઃસ્થાપના કરવાની માગને સ્વિકારીને કામગીરી શરૃ કરી દેવામાં આવતા મામલો શાંત થયો હતો, પરંતુ હાલોલ-પાવાગઢ જૈન સંઘના આગેવાનોનું કહેવું છે કે આ સમાધાન નથી, આંદોલન તો ચાલુ જ રહેશે.

સમાધાન નથી થયું હવેથી આવુ કૃત્ય ના થાય તેવી બાંયધરી અને મૂર્તિઓનો જીર્ણોધ્ધાર પણ કરવામાં આવે : જૈનસંઘની માગ

આજે સવારે પંચમહાલ જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ અધિકારીઓ તેમજ જૈન સમાજના આગેવાનોએ પાવાગઢ ડુંગરની મુલાકાત લીધી હતી. જે બાદ પોલીસ, વહીવટી તંત્ર, મહાકાળી મંદિર ટ્રસ્ટ અને જૈન સમાજ ના અગ્રણીઓની બેઠક મળી હતી. બેઠકમાં તીર્થંકરોની ૭ મૂર્તિઓને તેના સ્થાને સ્થાપિત કરવા માટે સહમતી સધાઇ હતી. ઉપરાંત જે મૂર્તિઓ ખંડીત થઇ છે તેને પણ યોગ્ય રીતે તૈયાર કરવા માટે મંદિર ટ્રસ્ટે સહમતી આપી હતી અને તુરંત મૂર્તિઓની પુનઃ સ્થાપના માટેની કામગીરીનો પ્રારંભ પણ કરી દેવામાં આવ્યો હતો. 

આ મામલે હાલોલ જૈન સંઘના સેક્રેટરી કહ્યું હતું કે મંગળવારે મીટિંગમાં આગળ શું કરવાનું છે તેની ચર્ચા થશે. હાલમાં હટાવવામાં આવેલી મૂતઓ પુનઃસ્થાપિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પણ સમાધાન થયુ નથી. અમારી માગ છે કે આવું કોઈ પણ કૃત્ય ન થાય તે અંગે લેખિતમાં બાયધરી આપવામાં આવે તેમજ આ મૂતઓનો જીર્ણોધ્ધાર કરવામાં આવે અને આ કૃત્ય કરનાર લોકો સામે એફઆઇઆર દાખલ કરીને પગલા લેવામા આવે. અમારી માગ પુરી નહી થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. જ્યારે હાલોલના જૈન અગ્રણીનું કહેવું હતું કે સુરતથી સમાધાન થશે ત્યારે સમાધાન થયું ગણાશે. આગળથી નિર્દેશ આવ્યા મુજબ કાર્યવાહી કરીશું. અત્યારે એક સ્ટેપ લેવાયું છે તેને સમાધાન ન ગણી શકાય.

પાવાગઢમાં જૈન તીર્થંકરોની મૂર્તિઓની પુનઃસ્થાપના : અજાણ્યા વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ 2 - image

જૈન સમાજે પહેલા મૂર્તિઓ લઇ જવાની માગ કરી હતી હવે પુનઃ સ્થાપનાની માગ કરી છે તો કામગીરી શરૃ કરી દીધી છે

સમગ્ર ઘટનાક્રમ અંગે મંદિર ટ્રસ્ટના સેક્રેટરી અશોક પંડયાએ કહ્યું હતુ કે મૂતઓ લઈ જવાની તે લોકોની માંગણી હતી, પરંતુ હવે તે લોકો મૂતઓ પુનઃસ્થાપિત થાય તેવું ઇચ્છી રહ્યા છે તો અમારા તરફથી મૂતઓ પુનઃસ્થાપિત કરવાની કામગીરી આજથી હાથ ધરી દેવામાં આવી છે.

જૈન પરંપરાના જાણકાર કારીગરો જ મૂર્તિ પુનઃ સ્થાપિત કરે તેવી માગ પણ સ્વિકારવામાં આવી

જૈન સમાજના આગેવાનોની માગ હતી કે તીર્થંકરોની મૂતઓ ગમે તે કારીગર બેસાડી ના શકે. જાણકાર હોય તેવા કારીગર જ કામ કરી શકે તે માટે હાલમાં હાલોલ ખાતે જૈન મંદિરનું કામ ચાલે છે, ત્યાંથી ચાર શિલ્પકારોની મદદ લેવી જોઇએ. તેઓ મંદિર ટ્રસ્ટના કારીગરો સાથે મળીને મૂત સ્થાપિત કરવાનું કામ કરશે. જૈનોની આ માગ પણ સ્વિકારી લેવામાં આવી હતી અને સોમવારે બપોર બાદ મૂતઓને પુનઃ સ્થાપિત કરવાનું કામ પોલીસ બંદોબસ્ત સાથે શરુ કરી દેવામાં આવ્યું છે.

જૈન તીર્થંકર સહિત ૭ મૂર્તિઓ હટાવવાના વિવાદમાં અજાણ્યા માણસો સામે પાવાગઢ પોલીસે ફરિયાદ દાખલ કરી

યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર મહાકાળી માતાજીના મંદિર તરફ જતાં પગથિયા નજીક શક્તિ દ્વાર પાસે જૂના પગથિયામાં ઓટલા ઉપર જૈન તીર્થંકર નેમિનાથ ભગવાન સહિત ૭ મૂતઓ તેના સ્થાનેથી હટાવીને ખંડીત કરવા બાબતે બે દિવસથી ચાલી રહેલા વિવાદમાં આજે મોડી સાંજે પાવાગઢ પોલીસ મથકે અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.

હાલોલના જૈન અગ્રણી કિરણભાઈ મોહનલાલ દુગ્ગડે ફરિયાદ નોંધાવી છે કે તેમના મિત્ર ૧૬ જૂન  રવિવારના રોજ પાવાગઢ ખાતે દર્શન કરવા ગયા હતા. ત્યારે મને ફોન કરીને જાણ કરી હતી કે શક્તિ દ્વાર પાસે મહાકાળી માતાજીના મંદિર જવાની જૂની સીડીના પ્રારંભમાં રસ્તા ઉપર નેમીનાથ ભગવાનની મૂતઓ ખંડિત તથા તૂટેલી હાલતમાં છે તેને દીવાલમાંથી કાઢી નાખવામાં આવી છે અને ઓટલા ઉપર મુકી દીધી છે. તેથી અમે સમાજના લોકો સાથે તે જગ્યા પર ગયેલા અને મૂતઓને ખંડિત થયેલ જોઈ હતી. આ કાર્ય તા.૧૬ જુને બપોરે ૧૨ વાગ્યા પહેલા કોઇએ કર્યુ હોય અને તેનાથી જૈન સમાજની લાગણી દુભાઇ હોવાથી અજાણ્યા માણસોસામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવે. ઉલ્લેખનીય છે કે આ મામલે પાવાગઢ પોલીસે સીઆરપીસી ૧૫૪ હેઠળ અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધી છે.

પાવાગઢમાં જૈન તીર્થંકરોની મૂર્તિઓની પુનઃસ્થાપના : અજાણ્યા વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ 3 - image

જૈનાચાર્ય, જૈન મુનીઓની નિશ્રામાં વડોદરાના જૈન અગ્રણીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

પાવાગઢ ડુંગર ઉપર મહાકાળી માતાજીના મંદિર તરફ જતાં જુના પગથીયાની શરૃઆતમાં સીડીની બન્ને તરફની દિવાલોમાં સ્થાપિત જૈન મૂર્તિઓ હટાવવાના વિવાદમાં આજે વડોદરાના વિવિધ જૈન સંઘના અગ્રણીઓઓ આચાર્ય હેમચંદ્રસ સાગરસૂરી મહારાજ, આચાર્ય વિરાગચંદ્ર સાગરસૂરી મહારાજ, પંન્યાસ રમ્યચંન્દ્ર વિજયજી, ગણિ રત્નભાનુવિજજી તથા રાષ્ટ્રિય સંત સંજય મુનિની નિશ્રામાં કલેક્ટરના બંગલા ઉપર પહોંચ્યા હતા અને કલેક્ટરને મળીને આવેદનપત્ર આપીને ઊગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

આવેદનપત્રમા ઉલ્લેખ કરાયો છે કે જૈન શ્વેતાંબર ધર્મના તીર્થંકર ભગવાનની મૂર્તિ ખંડિત કરીને કચરાના ઢગલાની વચ્ચે રાખવામાં આવેલ છે. અમારી ધાર્મિક આસ્થા અને લાગણી દુભાય તે રીતે મૂર્તિઓને રાખી દેવામા આવી છે. પ્રસાશન તાત્કાલિક અસરથી મૂર્તિઓને તે જ સ્થળે પુનઃ સ્થાપિત કરે અને આ કૃત્ય માટે જવાબદાર વ્યક્તિઓ સામે કાયદાકીય પગલા લેવામાં આવે.

પાવાગઢ ડુંગર ઉપર 7  દેરાસરો સંરક્ષિત સ્મારકની શ્રેણીમાં છે મૂર્તિનો વિવાદ થયો તે સ્થળ સંરક્ષિત સ્મારક નથી, મંદિર ટ્રસ્ટની હદમાં છે

પાવાગઢ ડુંગર ઉપર મહાકાળી માતાજીનું મંદિર અને જૈન દેરાસરો અંગે સ્થાનિક આર્કિઓલોજિકલ સર્વેના અધિકારીઓ તથા પાવાગઢ-ચાંપાનેરના રહેવાશીઓ સાથે વાત કરતા રસપ્રદ માહિતી જાણવા મળી છે.

આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના સ્થાનિક અધિકારીઓ સાથે વાત કરતા તેઓએ કહ્યું હતું કે 'આ વિવાદ જૈન સંઘ અને મહાકાળી મંદિર ટ્રસ્ટ વચ્ચેનો છે, તેમાં એએસઆઇને કોઇ લેવાદેવા નથી. જે સ્થળે વિવાદ થયો છે તે સ્થળ એએસઆઇના કાર્યક્ષેત્રમાં નથી આવતું. તે સ્થળ સંરક્ષિત સ્મારકની યાદીમાં પણ નથી એટલે એ સ્થળ અંગે કે મૂર્તિઓના ઇતિહાસ અંગે કશુ કહી શકાય નહી. હા, એટલુ કહી શકાય કે પાવાગઢ ડુંગર ઉપર તારાપુર દરવાજા પાસે ૩, દુધીયા તળાવ પાસે ૩ અને એક ચંદ્રપ્રભુનું દેરાસર મળીને કુલ ૭ દેરાસર આવેલા છે. આ ૭ દેરાસરો સંરક્ષિત સ્મારકમા આવે છે.

મહંમદ બેગડાએ તોડી પાડેલું મંદિર 1919 માં બનાવવામાં આવ્યું ત્યારે તેના નિર્માણમાં આસપાસ વિખરાયેલા પથ્થરોનો ઉપયોગ કરાયો હતો

બીજી તરફ પાવાગઢ અને ચાંપાનેરના લોકો સાથે વાત કરતા તેઓનું કહેવું છે કે સન ૧૪૮૪માં મહંમદ બેગડાએ પાવાગઢ ઉપર આક્રમણ કરીને મહાકાળી શક્તિપીઠ મંદિર અને જૈન દેરાસરોને તોડી નાખ્યા હતા. જે બાદ વર્ષો સુધી મંદિર અને દેરાસરો ખંડેર હાલમાં રહ્યા હતા. સન ૧૯૧૯ થી ૧૯૨૫ દરમિયાન સ્થાનિકો અને શ્રધ્ધાળુઓએ મહાકાળી માતાના મંદિરનું પુનઃ નિર્માણ કાર્ય કરવાનું શરૃ કર્યું. જેમાં ડુંગર ઉપર વિખરાયેલા તૂટેલા મંદિરના, ઇમારતોના, કિલ્લાના ઘડાયેલા પથ્થરોનો ઉપયોગ કરાયો હતો. આ પથ્થરોથી મંદિર સુધી જવા પથ્થરની સીડી પણ બનાવવામાં આવી હતી. આ દરમિયાન જે તે સમયે શ્રધ્ધાળુઓએ જૈન તીર્થંકરની મૂર્તિઓ પણ ખેંડરોમાં હાથ લાગી હશે જેને સીડીની બાજુની દીવાલમાં ગોખલામાં સ્થાપિત કરાઇ હશે તેવુ માનવામાં આવે છે. એવુ કહી શકાય કે જૈન તીર્થંકરોની મૂર્તિઓ ૫૦૦ વર્ષ કરતા પણ જૂની છે. 


Google NewsGoogle News