MSUમાં ઉકળતો ચરુ, એક જ મહિનામાં ત્રણ અધ્યાપકોના મહત્વના હોદ્દાઓ પરથી રાજીનામા

Updated: Aug 22nd, 2024


Google NewsGoogle News
MSUમાં ઉકળતો ચરુ, એક જ મહિનામાં ત્રણ અધ્યાપકોના મહત્વના હોદ્દાઓ પરથી રાજીનામા 1 - image


Vadodara M S University : એમ.એસ.યુનિવર્સિટીમાં ત્રણ મહત્વના હોદ્દાઓ પરથી એક જ મહિનામાં ત્રણ વરિષ્ઠ અધ્યાપકોએ રાજીનામા ધરી દીધા હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે.

યુનિવર્સિટીનુ તંત્ર જે રીતે અત્યારે ચાલી રહ્યું છે તેની સામે અધ્યાપક આલમમાં પણ ભારે અસંતોષ છે. જોકે મોટાભાગના અધ્યાપકો જાહેરમાં કશું બોલવા માટે તૈયાર નથી પણ વખતો વખત તેમની નારાજગી અલગ રીતે બહાર આવે છે.

મળતી જાણકારી અનુસાર યુનિવર્સિટીના કોમ્પ્યુટર સેન્ટરના ડાયરેકટર પદેથી ટેકનોલોજી ફેકલ્ટીના કોમ્પ્યુટર સાયન્સ વિભાગના હેડ પ્રોફેસર અપૂર્વ શાહ અને ડેપ્યુટી ડાયરેકટર પદેથી ડો.વિરલ કાપડિયાએ રાજીનામુ ધરી દીધું હતું. સૂત્રોનું કહેવું છે કે, કોમ્પ્યુટર સેન્ટરમાં કર્મચારીઓની ઓછી સંખ્યાના કારણે સેન્ટરના સંચાલનમાં આવી રહેલી મુશ્કેલીઓથી બંને અધ્યાપકો પરેશાન હતા.

જોકે રાજીનામુ આપ્યા બાદ યુનિવર્સિટી સત્તાધીશોએ વધારે સ્ટાફ પૂરો પાડવાની ખાતરી આપીને તેમને મનાવી લીધા હતા. જેના કારણે હાલમાં તેમણે રાજીનામુ પાછુ ખેંચી લીધું છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે ટેકનોલોજી ફેકલ્ટીના વરિષ્ઠ અધ્યાપક ડો.વિજય પરમારે પણ ચીફ વોર્ડન પદેથી રાજીનામું આપી દીધું છે. જોકે તેમણે કયા કારણસર રાજીનામુ આપ્યું તેની જાણકારી સામે આવી નથી. જોકે સત્તાધીશોએ તેમનું રાજીનામું પણ સ્વીકાર્યું નથી.


Google NewsGoogle News