વડોદરાવાસીઓને ભરઉનાળે રોજ પાણીનો પૂરતો જથ્થો તો મળે છે છતાં અપૂરતા પાણીની ફરિયાદો ચાલુ

Updated: May 2nd, 2024


Google NewsGoogle News
વડોદરાવાસીઓને ભરઉનાળે રોજ પાણીનો પૂરતો જથ્થો તો મળે છે છતાં અપૂરતા પાણીની ફરિયાદો ચાલુ 1 - image


Water Shortage in Vadodara : વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહી નદીના ચાર ફ્રેન્ચ કુવા, આજવા સરોવર, ખાનપુર પ્રોજેક્ટ, સિંધરોટ પ્રોજેક્ટ તથા ટ્યુબવેલો થી આશરે 670 એમ.એલ.ડી પાણીનો જથ્થો પૂરો પાડવામાં આવે છે છતાં પણ શહેરના પૂર્વ અને ઉત્તર ઝોન સહિત વિવિધ વિસ્તારોમાં પાણી પૂરતું મળતું નથી તેવી ફરિયાદો ઉઠતી રહે છે. પાણી વિતરણ વ્યવસ્થામાં ખામી દૂર કરવા અને નેટવર્ક સુધારણાની આવશ્યક કામગીરી જ્યાં સુધી નહીં કરવામાં આવે ત્યાં સુધી આ તકલીફ રહેશે. પાણી વિતરણ વ્યવસ્થા વર્ષો જૂની પાણીની લાઈનો હોવાથી અને નવા નવા જોડાણો આપતા જવાના કારણે નેટવર્ક સુધારણા મજબૂત કરવામાં તંત્ર પાછળ રહ્યું છે.

વડોદરાવાસીઓને ભરઉનાળે રોજ પાણીનો પૂરતો જથ્થો તો મળે છે છતાં અપૂરતા પાણીની ફરિયાદો ચાલુ 2 - image

શહેરના મોટાભાગના વિસ્તારોમાં જૂની લાઈનો હોવાથી અવારનવાર લીકેજના બનાવો બનતા રહે છે. જેમાં હજારો લિટર પીવાના પાણીનો બગાડ થાય છે અને લોકોને પાણી પુરતી માત્રામાં પહોંચી શકતું નથી. ઘણા એવા વિસ્તારો છે જ્યાં પાણી સતત ચાલુ પણ રહે છે, અને ઘણા એવા પણ વિસ્તારો છે જ્યાં માંડ થોડું અને તે પણ ગંદુ પાણી મળે છે. તાજેતરમાં જ પૂર્વ વિસ્તારમાં આજવાથી આવતી ફીડર લાઈનમાં બે વખત એર વાલ્વ તૂટી જતા સાતથી આઠ લાખ લોકોને ભરઉનાળે પીવાના પાણીની તકલીફ વેઠવાનો વારો આવ્યો હતો. છતે પાણીએ શહેરીજનોને ટેન્કરોથી પાણી મંગાવવું પડ્યું હતું. પૂર્વ અને ઉત્તર ઝોનમાં પાણીની તકલીફ ઘટાડવા માટે કોર્પોરેશન દ્વારા રાયકા અને દોડકામાં કુલ 12 ટ્યુબવેલ ચાલુ કરવાનું આયોજન કરાયું છે. જેમાંથી આઠ ચાલુ થઈ ચૂક્યા છે. હજુ બીજા ચાર બાકી છે જ્યાં મોટર પંપ સહિતની મશીનરી અઠવાડિયામાં ફિટ થઈ જશે. અત્યારે ટ્યુબવેલથી આશરે દોઢ કરોડ લિટર પાણી મળે છે. મહી નદીના કાંઠે જુના 10 ટ્યુબવેલ ચાલુ છે. અઠવાડિયામાં બાકીના ચાર ચાલુ થતાં કુલ 22 ટ્યુબવેલ ધમધમતા થતા આશરે અઢી કરોડ લિટર પાણી મળી શકશે. પાણીની લાઈનના પ્રેશરને ધ્યાનમાં રાખીને ટ્યુબવેલ તબક્કા વાર ચલાવવા પડે છે, બધા ટ્યુબવેલ એકસાથે ચલાવી શકાતા નથી.


Google NewsGoogle News