આજવારોડની ૬૨ સોસા.ના રહીશોનો પાણીના પોકાર સાથે વુડામાં મોરચો
વુડાએ છ મહિનાથી પાણી આપવાનું બંધ કરી દીધું હોવાના આક્ષેપ ઃ પાણી નહી મળે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી
વડોદરા, તા.4 વડોદરા શહેર નજીક આજવારોડ તથા સિગ્મા કોલેજ પાસે આવેલી ૬૨ સોસાયટીના રહેવાસીઓને પૂરતું પાણી નહી મળતાં સોસાયટીના લોકોએ વુડા ઓફિસમાં આવી ઉગ્ર રજૂઆત કરી જો પ્રશ્નનું નિરાકરણ નહી આવે તો આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારી હતી.
સોસાયટીના રહીશોએ આજે વુડા ઓફિસમાં ધસી જઇને પીવાના પાણી અંગે આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે સોસાયટીઓ જે સમયે બનાવવામાં આવી હતી. તે સમયે બિલ્ડરો પાણી પૂરું પાડતા હતા પછી બિલ્ડરો અને વુડા વચ્ચે વુડા તરફથી દરરોજ ૫ એમએલડી પાણી સોસાયટીઓને પૂરું પાડવામાં આવે એવો કરાર કરવામાં આવ્યો હતો. પાણી વિતરણ કરવાની કામગીરી ગુજરાત ગટર અને પાણી પુરવઠા વિભાગ તથા વુડાની રહેશે આ કરાર મુજબ બે વર્ષ સુધી આ સોસાયટીઓમાં પાણીનું વિતરણ થયું પરંતુ છેલ્લા છ મહિનાથી આ તમામ સોસાયટીઓમાં પાણીનું વિતરણ વુડા તરફથી કરવામાં આવતું નથી.
સોસાયટીઓમાં રહેતા તમામ રહીશો પોતાના ખર્ચ કરી પાણીની ટેન્કરો દ્વારા પોતાનું ગુજરાન ચલાવે છે. છેલ્લા છ મહિનાથી આ તમામ સોસાયટીઓના રહીશો ત્રણ લાખ રૃપિયા સુધીનું પાણી બહારથી મંગાવીને ગુજરાન ચલાવતા હતાં. સોસાયટીના રહીશોએ વારંવાર રજૂઆતો કરી પરંતુ વુડા તરફથી કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી. રહીશોએ ચીમકી ઉચ્ચારી હતી કે વહેલી તકે જો આનો કોઇ નિકાલ નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરવામાં આવશે.