સયાજી હોસ્પિટલમાં ડોકટરો ચોકીદાર બન્યા, સફેદ કાપડ પર લાલ થાપા માર્યા
વડોદરાઃ કોલકાતાની હોસ્પિટલમાં મહિલા ડોકટર સાથે દુષ્કર્મની ચકચારી ઘટનાના વિરોધમાં વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં રેસિડેન્ટ ડોકટરો વિરોધ કરી રહ્યા છે.વડોદરાની સયાજી હોસ્પિટલમાં આજે સતત પાંચમા દિવસે ડોકટરોએ વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું.
હોસ્પિટલમાં અન્ડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટસે મૈં ભી ચોકીદાર..ના પોસ્ટરો પોતાના કપડા પર લગાવીને ચોકીદારી કરી હતી. વિદ્યાર્થીઓનો આ પ્રકારના દેખાવો કરવા પાછળનો હેતુ ડોકટરો માટે સુરક્ષા વધારવાનો સંદેશો આપવાનો હતો.વિદ્યાર્થીઓનું કહેવું હતું કે, સયાજી હોસ્પિટલમાં અમારા માટે પૂરતી સુરક્ષા નથી.જેના કારણે અમે જ આજે ચોકીદાર બન્યા છે અને તંત્રને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ પહેલા સયાજી હોસ્પિટલમાં ડોકટરોએ સફેદ રંગના કાપડ પર લાલ રંગના થાપા મારીને ડોકટરો પર થઈ રહેલી હિંસા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.ડોકટરોએ કહ્યું હતું કે, સફેદ કપડા પર અમે જેટલા થાપા માર્યા છે તે ડોકટરો પર થયેલી હિંસાના કિસ્સાઓની સંખ્યા બતાવે છે.સફેદ કપડા પર થાપા મારવાની જગ્યા નહીં રહે પણ ડોકટરો સામેની હિંસા અટકવાનુ નામ નહીં લે.અમે માત્ર સુરક્ષા માગી રહ્યા છે.જે પાયાની જરુરિયાત છે.
રેસિડેન્ટ ડોકટરો અને યુજીના સ્ટુડન્ટસે કોલકાતાની રેપ પીડિતાને સાંજે શ્રધ્ધાંજલિ આપી હતી.ગોત્રી ખાતેની જીએમઈઆરએસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ પણ આજે દેખાવોમાં જોડાયા હતા.આ વિદ્યાર્થીઓએ ગોત્રીથી લઈને નટુભાઈ સર્કલ સુધી વરસતા વરસાદમાં પણ કાળી પટ્ટી ધારણ કરીને રેલી કાઢી હતી.