અઘેડો બીજ, ગુગળ, દાળમાં નંખાતા કોકમ, મીઠા લીમડામાંથી મેદસ્વિતા ઘટાડતી હર્બલ ટેબલેટ બનાવી
વડોદરાઃ ગુજરાતમાં અને ભારતમાં એવી અઢળક વનસ્પતિઓ છે જે રસોડાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે.એમ.એસ.યુનિવર્સિટીની ફાર્મસી ફેકલ્ટીના સંશોધકોને ચાર આવા જ પ્લાન્ટસમાંથી મેદસ્વિતા ઘટાડે તેવી દવા બનાવવામાં પ્રાથમિક તબક્કે સફળતા મળી છે.
આ ચાર પ્લાન્ટસમાં અઘેડો, દાળ અને બીજી વાનગીમાં વપરાતા મીઠો લીમડો તેમજ કોકમ અને ગૂગળનો સમાવેશ થાય છે.ફાર્મસી ફેકલ્ટીના અધ્યાપક ડો.ભાવિક ચૌહાણે પોતાના ગાઈડ ડો.રાજશ્રી મશરુના હાથ નીચે પીએચડી સંશોધનના ભાગરુપે ઉપરોકત ચાર પ્લાન્ટસનો ઉપયોગ કરીને અસરકારક હર્બલ ફોર્મ્યુલેશન વિકસાવવામાં સફળતા મળી છે.
તેમનુ કહેવુ છે કે, આ ફોર્મ્યુલેશન ટેબલેટ તરીકે અમે બનાવ્યુ છે.તેમાં ઉપયોગમાં લેવાયેલી વનસ્પતિઓની ખાસિયતોનુ વર્ણન તો આયુર્વેદ અને બીજા ગ્રંથોમાં છે જ.તેમાંથી પ્રેરણા લઈને મેં અઘેડાના બીજ, મીઠા લીમડાના પાન, કોકમ( કોકમનુ ફળ) તેમજ ગૂગલનો ઉપયોગ કર્યો હતો.
ડો.ભાવિક ચૌહાણનુ કહેવુ છે કે, બજારમાં મેદસ્વિતા ઘટાડવા માટેની ચારેક એલોપેથિક દવાઓ પહેલેથી ઉપલબ્ધ છે.જેનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે.જ્યારે અમે બનાવેલી હર્બલ ટેબલેટ પણ આ દવાઓની સરખામણીમાં ૮૦ ટકા જેટલી અસરકાર હોવાનુ સોફટવેર પર કરેલા એનાલિસિસમાં પૂરવાર થયુ છે.હજી તેની એનિમલ અને હ્યુમન ટ્રાયલ જોકે બાકી છે.આ હર્બલ ફોર્મ્યુલેશનમાં કોઈ કેમિકલનો ઉપયોગ પણ અમે કર્યો નથી.આ ચારે પ્લાન્ટસનુ કોમ્બિનેશન પણ અગાઉ થયુ નથી.
તેમનુ કહેવુ છે કે, વધારે પડતો ખોરાક, શારીરિક શ્રમનુ પ્રમાણ જેવી બાબતો મેદસ્વિતા સાથે સંકળાયેલી છે.દવા બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા દરેક પ્લાન્ટસની ખાસિયતની વાત કરવામાં આવે તો અઘેડોના બીજમાં એલિઓનિક એસિડ તેમજ કોકમના ફળમાં હાઈડ્રોસાઈટ્રિક એસિડ છે.જેનાથી ભૂખ ઓછી લાગે છે.જ્યારે મીઠા લીમડાના પાનમાં અલગ અલગ પ્રકારના આલ્કાલોઈડ્સ તથા ગુગળમાં ગુગલસ્ટેરોન રહેલુ છે.જે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછુ કરવામાં મદદરુપ થાય છે.આમ ચારેનુ કોમ્બિનેશન મેદસ્વિતા ઘટાડવામાં અસરકારક પૂરવાર થઈ શકે છે તેવુ સાબિત થયુ છે.
અઘોરીઓ સાધના કરતી વખતે અઘેડોના બીજની ખીર ખાય છે
ડો.ચૌહાણ કહે છે કે, હર્બલ ફોર્મ્યુલેશનમાં વપરાયેલા અઘેડો નામના પ્લાન્ટના બીજનો સબંધ અઘોરીઓ સાથે છે.એટલે જ આ પ્લાન્ટનુ નામ પણ અઘેડો છે.એવુ કહેવાય છે કે, ગીરનારમાં સાધના કરતી વખતે અઘોરીઓ અઘેડોના બીજમાંથી બનેલી ખીરનુ સેવન કરતા હોય છે.આ બીજમાં રહેલુ તત્વ ભૂખ શમાવી દે છે અને તેના કારણે ભૂખ લાગતી નથી અને અઘોરીઓ પોતાની સાધના પર ધ્યાન કેન્દ્રીત કરી શકે છે.
ભારતના શહેરોની ૭૦ ટકા વસ્તી પર મેદસ્વિતાનો ખતરો
લાન્સેટ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ પ્રમાણે ભારતની ૭૦ ટકા વસતી વધારે પડતુ વજન ધરાવતા અથવા મેદસ્વી લોકોની કેટેગરીમાં આવે છે.આમ ભારતમાં કુપોષણની સાથે સાથે મેદસ્વિતાની સમસ્યા પણ એટલી જ ગંભીર બની રહી છે.તાજેતરમાં લાન્સેટ જર્નલમાં પ્રકાશિત થયેલા અન્ય એક રિસર્ચ પેપર પ્રમાણે ૧૯૯૦ થી ૨૦૧૬ની વચ્ચે ગુજરાતમાં પુરુષોમાં મેદસ્વિતાનુ પ્રમાણ ૧૪૯ ટકા જેટલુ અને સ્ત્રીઓમાં મેદસ્વિતાનુ પ્રમાણ ૧૨૧ ટકા જેટલુ વધ્યુ છે.