એમ.એસ.યુનિ.ના સંશોધકોને આંધ્ર પ્રદેશમાંથી 40000 વર્ષ જૂનો શાહમૃગનો માળો મળ્યો

Updated: Jun 26th, 2024


Google NewsGoogle News
એમ.એસ.યુનિ.ના સંશોધકોને  આંધ્ર પ્રદેશમાંથી 40000 વર્ષ જૂનો શાહમૃગનો માળો મળ્યો 1 - image

વડોદરાઃ આંધ્રપ્રદેશમાં સંશોધન કરી રહેલા એમ.એસ.યુનિવર્સિટીના આર્કિઓલોજી વિભાગના સંશોધકોની ટીમને ૪૦૦૦૦ વર્ષ જૂનો શાહમૃગનો માળો મળી આવ્યો છે.જે માત્ર ભારતમાં જ નહીં પણ દુનિયામાં અત્યાર સુધીમાં મળેલો સૌથી જૂનો માળો છે.

સંશોધકોની આ ટીમમાં ભારત તેમજ જર્મની, ઓસ્ટ્રેલિયા એ અમેરિકાની યુનિવર્સિટીઓના અધ્યાપકો પણ સામેલ છે.ટીમની આગેવાની લેનાર એમ.એસ.યુનિવર્સિટીના આર્કિઓલોજી વિભાગના અધ્યાપક ડો.અનિલ દેઓરાનુ કહેવુ છે કે, આજથી લગભગ ૪૦૦૦૦  વર્ષ પહેલા મેગાફોના કેટેગરી( એવા પ્રાણીઓ કે જેમનુ વજન ૪૫ કિલો કરતા વધારે હોય છે)માં આવતી ૬૦ જેટલી પ્રજાતિઓની વિશ્વભરમાંથી વિલુપ્ત થવાની શરુઆત થઈ હતી.જેમાં ભારતની પણ કેટલીક પ્રજાતિઓનો સમાવેશ થતો હતો.આ પ્રજાતિઓના નાશ પામવા પાછળ મુખ્યત્વે બે થિયરી પ્રચલિત છે.એક થિયરી એવી છે કે,  હવામાનમાં અચાનક એવા ફેરફાર થયા હશે કે જેના કારણે આ પ્રજાતિઓ માટે ધરતી પર ટકી રહેવુ મુશ્કેલ બની ગયુ હશે.બીજી પ્રચલિત થિયરી એવી છે કે, આ જ સમયગાળામાં આફ્રિકામાંથી મનુષ્યો( હોમો સેપિયન્સ)એ ભારત સહિત દુનિયાના બીજા હિસ્સાઓમાં સ્થળાંતર કરવામાં માંડયુ હતુ.તેમની વસતીમાં થયેલા વધારાના કારણે મેગાફોના કેટેગરીમાં આવતા પ્રાણીઓનો શિકાર વધી ગયો હતો અને તબક્કાવાર આ પ્રજાતિઓનુ નિકંદન નીકળી ગયુ હતુ.

ડો.દેઓરા કહે છે કે , મેગાફોના કેટેગરીની પ્રજાતિઓના વિલુપ્ત થવા અંગે ભારતમાં બહુ ઓછુ સંશોધન થયુ છે.આવા પ્રાણીઓના અવશેષો ભારતમાં આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લામાંથી વ્યાપકપણે મળી રહ્યા છે અને તેમના વિલુપ્ત થવાના કારણોની વધારે જાણકારી મેળવવા માટે અમારુ સંશોધન ચાલી રહ્યુ છે.આ દરમિયાન અમને શાહમૃગનો આખો માળો મળી આવ્યો છે.સામાન્ય રીતે શાહમૃગનો માળો  ૯ થી ૧૦ ફૂટ પહોળો હોય છે અને તેમાં શાહમૃગ એક સાથે ૩૦ થી ૪૦ ઈંડા મૂકતા હોય છે.શાહમૃગના ઈંડાની છાલ જેવા હજારો વર્ષ જૂના અવશેષો  તો દુનિયામાં ઘણી જગ્યાએ મળ્યા છે પણ કોઈ કારણસર આ માળો અકબંધ રહી ગયો હતો.

તેમના કહેવા પ્રમાણે આ માળામાંથી શાહમૃગના ઈંડાના ૩૫૦૦ જેટલા અવશેષો મળ્યા છે.કાર્બન ડેટિંગ દ્વારા જાણવા મળ્યુ છે કે, આ માળો ૪૦૦૦૦ વર્ષ જૂનો છે અને દુનિયામાં અત્યાર સુધી આટલો જૂનો માળો ક્યાંય મળ્યો નથી.આ માળાના કારણે ભારતમાંથી મેગાફોના કેટેગરીમાં આવતા પ્રાણીઓ કેવી રીતે લુપ્ત થયા તેના સંશોધનમાં ઘણી મદદ મળશે.

મગરનુ અકબંધ હાડપિંજર પણ મળી આવ્યું

સંશોધકોનુ કહેવુ છે કે, શાહમૃગના માળા ઉપરાંત અમને મગરનુ આખુ હાડપિંજર પણ મળ્યુ છે.આ પણ અમારા માટે એક આશ્ચર્યનો વિષય છે.કારણકે અકબંધ હાડપિંજર મળે તેવુ પણ ભાગ્યે બનતુ હોય છે.આ ઉપરાંત ટીમને ઘોડાના, કાચબાના અને મોનિટર લિઝાર્ડ(વિરાટ કદની ગરોળીની પ્રજાતિ)ના અવશેષો પણ હાથ લાગ્યા છે.આંધ્ર પ્રદેશનો પ્રકાશમ જિલ્લો આર્કિઓલોજીની દ્રષ્ટિએ ઘણી બધી જાણકારીનો ભંડાર છે.મેગાફોના કેટેગરીમાં આવતા જે પ્રાણીઓનો ૪૦૦૦૦ વર્ષ પહેલા વિનાશ શરુ થયો હતો તેમાં ભારતમાંથી હાથીઓની બે પ્રજાતિ, ઘોડાની એક પ્રજાતિ, શાહમૃગની એક પ્રજાતિ, હિપોપોટેમસનો સમાવેશ થતો હતો.

દક્ષિણ ભારતમાં પણ શાહમૃગનું અસ્તિત્વ હોવાનું સાબિત થયું 

૨૦૨૩થી મેગાફોના એનિમલ્સના પ્રોજેકટ પર કામ કરી રહેલા ડો.દેઓરા કહે છે કે, શાહમૃગના માળાએ દક્ષિણ ભારતમાં પણ શાહમૃગનુ અસ્તિત્વ હતુ તેવુ પણ સાબિત કર્યુ છે.આમ તો શાહમૃગની પ્રજાતિ ભારતમાં ૧૦૦૦૦ વર્ષ પહેલા લુપ્ત થઈ ગઈ હોવાનુ મનાય છે.જોકે તે વખતે પણ શાહમૃગ પૂર્વ ભારતથી લઈને મહારાષ્ટ્ર સુધી જ અસ્તિત્વ ધરાવતા હોવાનુ કહેવાતુ હતુ. શાહમૃગના ઈંડાના સૌથી જૂના અવશેષો હિમાલયની શિવાલિક હિલ વિસ્તારમાંથી મળ્યા છે.જે ૨૦ લાખ વર્ષ જૂના છે.આ સિવાય રાજસ્થાનમાંથી મળેલા ઈંડાના બાહ્ય આવરણના અવશેષો ૬૦૦૦૦ વર્ષ જૂના છે.જોકે આખો માળો મળ્યો હોય તેવુ અત્યાર સુધી ક્યારેય બન્યુ નથી.

દેશ-વિદેશની અગ્રણી રિસર્ચ સંસ્થાઓના સંશોધકો ટીમમાં સામેલ

--એમ.એસ.યુનિવર્સિટીના આર્કિઓલોજી અધ્યાપક ડો.અનિલ દેઓરા, પ્રો અજિથ પ્રસાદ( નિવૃત્ત) અને ડો.વૃષભ મહેશ

--ડો.કે સી પટેલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરના ડો.પ્રભિન સુકુમારન

--ઓસ્ટ્રેલિયાની સધર્ન ક્રોસ યુનિવર્સિટીના અધ્યાપક રેનો જોન્સ બોયુ

--જર્મનીના મેક્સ પ્લેન્ક ઈન્સ્ટિટયુટ ઓફ જિઓએન્થ્રોપોલોજીના ગોપેશ ઝા

--હાવર્ડ યુનિવર્સિટીના ડો.ક્રિસ્ટિના વેરિનર

--દિલ્હીના ઈન્દિરા ગાંધી સેન્ટર ફોર ધ આર્ટસના ઝાકીર ખાન

--હૈદ્રાબાદના સીએસઆઈઆર-એનજીઆરઆઈના જિઆલોજી વિભાગના ડો.આનંદ પાન્ડે તથા ડો.સક્રામ ગુગુલોથુ

--અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના ડો.નવીન ચૌહાણ અને ડો.મોનિકા 

દેશ-વિદેશની અગ્રણી રિસર્ચ સંસ્થાઓના સંશોધકો ટીમમાં સામેલ

--એમ.એસ.યુનિવર્સિટીના આર્કિઓલોજી અધ્યાપક ડો.અનિલ દેઓરા, પ્રો અજિથ પ્રસાદ( નિવૃત્ત) અને ડો.વૃષભ મહેશ

--ડો.કે સી પટેલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરના ડો.પ્રભિન સુકુમારન

--ઓસ્ટ્રેલિયાની સધર્ન ક્રોસ યુનિવર્સિટીના અધ્યાપક રેનો જોન્સ બોયુ

--જર્મનીના મેક્સ પ્લેન્ક ઈન્સ્ટિટયુટ ઓફ જિઓએન્થ્રોપોલોજીના ગોપેશ ઝા

--હાવર્ડ યુનિવર્સિટીના ડો.ક્રિસ્ટિના વેરિનર

--દિલ્હીના ઈન્દિરા ગાંધી સેન્ટર ફોર ધ આર્ટસના ઝાકીર ખાન

--હૈદ્રાબાદના સીએસઆઈઆર-એનજીઆરઆઈના જિઆલોજી વિભાગના ડો.આનંદ પાન્ડે તથા ડો.સક્રામ ગુગુલોથુ

--અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના ડો.નવીન ચૌહાણ અને ડો.મોનિકા 



Google NewsGoogle News