હોમસાયન્સ ફેકલ્ટીની રિસર્ચ સ્ટુડન્ટ દ્વારા સૌદાગરી બ્લોક પ્રિન્ટિંગ આર્ટને જીવતી રાખવા પ્રયાસો
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની હોમસાયન્સ ફેકલ્ટીની રિસર્ચ સ્ટુડન્ટ અરશી શેખે ગુજરાતની સદીઓ જૂની અને હવે લુપ્ત થઈ રહેલી સૌદાગરી બ્લોક પ્રિન્ટિંગ કલાને ફરી જીવતી રાખવા માટે પ્રયાસો શરુ કર્યા છે.
અરશી શેખે આ વિષય પર ૨૦૧૪-૧૫ના વર્ષમાં રિસર્ચ કર્યુ હતુ અને તેને આ વિષય પર રિસર્ચ કરવાની પ્રેરણા અન્ય એક વિદ્યાર્થિની વંદિતા ત્રીવેદીના વૂડ બ્લોક પ્રિન્ટિંગના માસ્ટર ગણાતા માણેકલાલ ગજ્જર પરના રિસર્ચ પરથી મળી હતી.
સૌદાગરી બ્લોક પ્રિન્ટિંગ ૧૦૦ વર્ષ જૂની ટેકનિક છે અને તેમાં ઝીણી કોતરણી કરેલા લાકડાના બ્લોકથી કાપડ પર આકર્ષક પ્રિન્ટ ઉપસાવવામા આવે છે.અરશી કહે છે કે, ગુજરાતમાં સૌદાગરી પ્રિન્ટિંગ કલાનો ઉલ્લેખ ૧૮૩૯ થી ૧૯૩૯ દરમિયાન મળે છે.તેના મૂળ થાઈલેન્ડમાં છે.આ ડિઝાઈનનો ઉદ્ભવ થાઈલેન્ડમાં થયો હતો.થાઈલેન્ડના સિઆમ માર્કેટમાં તેની ઘણી ડીમાન્ડ રહેતી હતી.ગુજરાતમાં આ પ્રિન્ટિંગની મદદથી બનતા કપડા થાઈલેન્ડમાં એક્સપોર્ટ થતા હતા.પ્રિન્ટિંગ માટે કુદરતી રંગો ઉપયોગમાં લેવાતા હતા.જોકે ૧૯૩૯માં બીજા વિશ્વ યુધ્ધના કારણે આ નિકાસ અટકી ગઈ હતી.બીજી તરફ હાથથી થતા બ્લોક પ્રિન્ટિંગની જગ્યા મશિનોએ લેવા માંડી હતી અને આ પ્રિન્ટિંગ આર્ટના અસ્તિત્વ પર ખતરો સર્જાયો હતો.
અરશી કહે છે કે, હું સૌદાગરી આર્ટને જીવંત રાખવા માટે અલગ અલગ માર્કેટનો અભ્યાસ કરીને તેમાં તેની માંગ ઉભી કરી શકાય તે માટે પ્રયાસ કરી રહી છું.પરંપરાગત રીતે કારીગરો સરળતાથી બ્લોક પ્રિન્ટિંગ કરી શકે તે માટેની ડિઝાઈન અને રંગો પણ હું વિકસાવી રહી છું.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં એમ.એસ.યુનિવર્સિટીના ક્લોથિંગ એન્ડ ટેક્સટાઈલ વિભાગ દ્વારા પૂર્વ વિદ્યાર્થિનીઓની મદદથી દૌદાગરી આર્ટ અને માતાની પછેડી આર્ટ ઉપર એક વર્કશોપનુ પણ આયોજન કરવામાં આવ્યુ હતુ.